બ્રિટનના વડાંપ્રધાન થેરેસા મેને સંસદમાં જોરદાર આંચકો લાગ્યો છે. બ્રિટિશ સાંસદોએ શુક્રવારે બ્રેક્ઝિટ સમજૂતીને ત્રીજી વખત નામંજૂર કરી છે. આના સંદર્ભેને પ્રસ્તાવ પીએમ થેરેસા મેએ સંસદમાં રજૂ કર્યો હતો.
બ્રિટિશ સાંસદોએ હાઉસ ઓફ કોમન્સમાં બ્રિટનના યુરોપિયન યુનિયનથી અલગ થવાની શરતોને 286 વિરુદ્ધ 344 વોટથી નામંજૂર કરી હતી.
થેરેસા મે બુધવારે પોતાની કન્ઝર્વેટિવ પાર્ટીના દબાણમાં ઝુકી ગયા અને તેમણે બ્રેક્ઝિટ પ્રસ્તાવને સાંસદોના સમર્થન મળવાની સ્થિતિમાં બ્રિટના વડાપ્રધાન પદેથી રાજીનામું આપવાની પેશકશ પણ કરી હતી.
બ્રેક્ઝિટ સમજૂતીને નામંજૂર કરનારા સાંસદોના આ નિર્ણયને કારણે ફરી એકવાર બ્રિટનના ઈયુ સાથે સંબંધો મામલે ફરીથી આશંકાના વાદળો મંડરાવા લાગ્યા છે. આજના નિર્ણયથી સ્પષ્ટ છે કે બ્રિટને સત્તાવાર રીતે યુરોપિયન યુનિયનની બહાર થઈ જવું જોઈએ. હાઉસ ઓફ કોમન્સના વિશેષ સત્રમાં સાંસદોએ સમજૂતીના પક્ષમાં 286 અને વિપક્ષમાં 344 વોટ નાખ્યા હતા.
બ્રિટનનું યુરોપિયન યુનિયનથી અલગ થવું શુક્રવારે પ્રસ્તાવિત હતું અને શુક્રવારે જ વધુ એક મુસદ્દાના નામંજૂર થવાની આ સંપૂર્ણ પ્રક્રિયાને લઈને અસમંજસતા વધી ગઈ છે. થેરેસા મેએ કહ્યુ છે કે આ વોટિંગની ગંભીર અસર થશે અને કાયદાનું કહેવું છે કે 12મી એપ્રિલે યુનાઈટેડ કિંગ્ડમે અલગ થવાનું રહેશે. આ ત્રીજી વખત છે કે જ્યારે બ્રેક્ઝિટ પર કરારના મુસદ્દાને બ્રિટિશ સંસદે નામંજૂર કર્યો છે.
બીજી તરફ પ્રસ્તાવ નામંજૂર થયા બાદ વિપક્ષી લેબર પાર્ટીએ વડાંપ્રધાન થેરેસા મેના રાજીનામાની અને ચૂંટણીઓ યોજનાની પણ માગણી કરી છે.
યુરોપિયન યુનિયન મુજબ, બ્રિટને 12મી એપ્રિલ સુધીમાં ઈયૂથી અલગ થવા માટે વૈકલ્પિક પ્રસ્તાવ રજૂ કરવાનો છે, કારણ કે સાંસદોએ ફરી એકવાર વડાપ્રધાનના પ્રસ્તાવને નામંજૂર કર્યો છે, માટે વડાપ્રધાનને હવે 12 એપ્રિલ સુધીમાં નવી યોજના રજૂ કરવાની રહેશે. થેરેસા મેએ કહ્યું હતું કે જો તેમની બ્રેક્ઝિટ યોજના સંસદમાંથી મંજૂર થઈ જશે, તો તેઓ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દેશે.