ઇઝરાયલ-હમાસ હિંસક ઘર્ષણ: જો બાઇડનનું ઇઝરાયલને સમર્થન, કહ્યું – ઇઝરાયલને સ્વરક્ષા કરવાનો અધિકાર
- ઇઝરાયલ-હમાસ વચ્ચેના હિંસક ઘર્ષણને લઇને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનનું નિવેદન
- ઇઝારયલને પોતાની સુરક્ષા કરવાનો સંપૂર્ણપણે હક છે
- આ સંઘર્ષ જલ્દી સમાપ્ત થઇ જશે
નવી દિલ્હી: ઇઝરાયલ અને હમાસ વચ્ચેના હિંસક સંઘર્ષને લઇને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનનું નિવેદન સામે આવ્યું છે.
ઇઝરાયલ અને હમાસ વચ્ચેના સંઘર્ષને લઇને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે, ઇઝરાયલને પોતાની સુરક્ષા કરવાનો પૂરો હક છે. ગાઝા પટ્ટી અને ઇઝરાયલની વચ્ચે વર્ષ 2014 બાદ આ સૌથી મોટો સંઘર્ષ થઇ રહ્યો છે. જો બાઇડને આશાવાદ વ્યક્ત કર્યો હતો કે આ સંઘર્ષ જલ્દી સમાપ્ત થઇ જશે. તે ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે, ઇઝરાયલને પોતાની રક્ષા કરવાનો પૂરો હક છે જ્યારે તમારી બોર્ડર પર હજારોની સંખ્યામાં રોકેટ ઉડી રહ્યા હોય.
આપને જણાવી દઇએ કે ઇઝરાયલ તેમજ હમાસમાં છેડાયેલા સંઘર્ષને સમાપ્ત કરવા માટે અમેરિકાએ મિસ્ત્ર અને કતારમાં પોતાના રાજનાયિકોને મોકલ્યા છે. જેથી હિંસક ગતિવિધિઓને સમાપ્ત કરી શકાય. ગત અનેક દિવસોથી હમાસ ઇઝરાયલ પર રોકેટ હુમલા કરી રહ્યું છે. જ્યારે ઇઝારયલે પણ જવાબી પ્રતિક્રિયા કરતા હમાસ પર એર સ્ટ્રાઇક કરી છે. બન્ને તરફથી થયેલા હુમલામાં 60 લોકોના મોત નિપજ્યા છે.
હમાસે આર્થિક દૃષ્ટિએ ઇઝરાયલ માટે મહત્વના મનાતા તેલ અવીવ પર સતત રોકેટ મારો કર્યો હતો.
હમાસના આ રોકેટ હુમલા બાદ ઇઝરાયલના પીએમ બેન્ઝામિન નેતાન્યાહૂએ કહ્યું હતું કે, હમાસે આ આક્રમક્તાની ભારે કિંમત ચૂકવવી પડશે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને કતારના વિદેશ મંત્રી મોહમ્મદ બિન અબ્દુલ રહમાન અલ યાની સાથે વાત કરી હતી. વિદેશ મંત્રી એન્ટોની બ્લિંકને પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે વાત કરી હતી અને આ પહેલા તેમણે નેતાન્યાહૂ સાથે વાત કરીને આ વિસ્તારમાં ફરી શાંતિ સ્થાપિત કરવા માટે અપીલ કરી હતી.
(સંકેત)