કોરોનાને લઈને એક્શનમાં પીએમ મોદી, કરશે 100 જિલ્લાના અધિકારીઓ સાથે વાતચીત
- પીએમ મોદી આગામી 18 અને 20 મે ના રોજ યોજશે બેઠક
- 100 જિલ્લાના જિલ્લા અધિકારીઓ સાથે કરશે વાતચીત
- કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાના અધિકારી સાથે વાત
દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશના 100 જિલ્લાના અધિકારીઓ સાથે આગામી 18 અને 20 મેના રોજ સંવાદ કરશે. સરકારી સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ,પ્રથમ બેઠકમાં નવ રાજ્યોના 46 જિલ્લા અધિકારી ભાગ લેશે. જ્યારે 10 રાજ્યોના 54 જિલ્લા અધિકારી બીજી બેઠકમાં ભાગ લેશે.
કોવિડ -19 ની સ્થિતિ અંગે વડાપ્રધાનની આ પહેલી બેઠક હશે. જેમાં જિલ્લાના ઉચ્ચ વહીવટી અધિકારીઓ ભાગ લેશે. આ અગાઉ વડાપ્રધાને તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે અનેક રાઉન્ડ બેઠક કરી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 72% કેસ મહારાષ્ટ્ર, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન સહિત 10 રાજ્યોમાં છે. દેશમાં એક દિવસમાં કોવિડ -19 ના 3,62,727 નવા કેસો બાદ સંક્રમણની કુલ સંખ્યા વધીને 2,37,03,665 થઇ ગઈ છે,જ્યારે કોરોના વાયરસ સંક્રમણથી 4,120 લોકોના મોત થયા બાદ મૃત્યુની સંખ્યા 2,58,317 પર પહોંચી છે.