- ભારતના સિરામિક ઉદ્યોગ પર સંકટ
- હાથમાંથી સરકી રહી છે મોટી તકો
- ચીન આપી રહ્યું છે ટક્કર
મોરબી: કોરોનાવાયરસના કારણે કદાચ જ કોઈ વેપાર કે બિઝનેશ એવો હશે જેને અસર થઈ હશે નહી. આવામાં વધુ એક મોટા સમાચાર આવી રહ્યા છે જે ભારતના સિરામિકના બિઝનેશને લઈને છે. ભારતમાં કોરોનાવાયરસની બીજી લહેરના કારણે મોટાભાગના રાજ્યોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને તેના કારણે ધંધાકીય એકમોને અસર પડી રહી છે.
કોરોનાની પહેલી લહેરમાં અન્ય ઉદ્યોગોની જેમ મોરબીના સિરામિક ઉદ્યોગને પણ ફટકો પડ્યો હતો, પરંતુ બાદમાં વૈશ્વિક સ્તરે ચીન વિરુદ્ધ જે સેન્ટિમેન્ટ બન્યું એનો લાભ મોરબીને થયો હતો અને અહીંનો સિરામિક ઉદ્યોગ ઝડપથી રિકવર થઈ શક્યો, પણ કોરોનાની બીજી લહેર ધંધાઓ પર ત્સુનામીની લહેરની જેમ ફરી વળી હોય તેમ લાગે છે.
ભારતમાં ઉદ્યોગો માટેના બંધનો તેમજ ટ્રાન્સપોર્ટેશનમાં અવરોધને કારણે ઓર્ડર પૂરા કરવામાં મુશ્કેલી આવી રહી છે. આ બધાને કારણે ઇન્ટરનેશનલ માર્કેટમાં ભારત માટે જે તક ઊભી થઈ એનો પૂરો લાભ લઈ શકાતો નથી.
મોરબીના એક ઉદ્યોગપતિએ જણાવ્યું કે અન્ય ઉદ્યોગોની સરખામણીએ સિરામિકમાં સ્થિતિ સારી છે. આયાતકાર દેશો તરફથી ઇન્ક્વાયરી પણ આવે છે. જોકે મુશ્કેલી એ છે કે વર્તમાન સંજોગોમાં સમયસર માલ પહોંચાડી શકાય તેમ નથી. કન્ટેનર ઓછા મળી રહ્યાં છે અને સાથે જ ફેક્ટરીથી પોર્ટના ટ્રાન્સપોર્ટેશનમાં પણ તકલીફ આવી રહી છે.
આવા સંજોગોમાં બની શકે છે કે જે લોકો ભારતથી સિરામિક ઉત્પાદનો લેતા હતા અથવા ભારત તરફ વળ્યા હતા તેઓ ફરી ચીન તરફ જઈ શકે છે. હજુ સુધી એવું નથી થયું, પણ ચીનની સરકારે અમુક દેશો માટે ઇન્સેન્ટિવ આપવાનું પણ શરૂ કર્યું છે.
ઇન્ડસ્ટ્રીના જણાવ્યા પ્રમાણે, ગ્લોબલ સિરામિક માર્કેટમાં ચીનનો હિસ્સો 60% જેટલો હતો. કોરોના આવ્યા બાદ ચીનનું જે વલણ રહ્યું છે એનાથી ઘણા દેશો નારાજ છે અને ચીનથી ખરીદી કરવાને બદલે બીજો ઓપ્શન પસંદ કરી રહ્યા છે. આ બધાને કારણે ચીનની હિસ્સેદારી ઘટીને 20-22% ઉપર આવી ગઈ છે. બીજી તરફ આનો ફાયદો ભારતને થયો છે. ચીનમાંથી જે ડિમાન્ડ ઘટી છે એમાંથી અંદાજે 15-20% ભારતમાં અને તેમાય ગુજરાતમાં વધુ આવી છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે મોરબીને સિરામિક ટાઇલ્સનું ત્રીજા નંબરનું સૌથી મોટું ઉત્પાદક માનવામાં આવે છે. ભારતની સિરામિક ઇન્ડસ્ટ્રીનો વેપાર 45,000 કરોડ રૂપિયાનો છે, જેમાં મોરબીની હિસ્સેદારી 90% જેવી છે. સિરામિક સિટી તરીકે ઓળખાતા મોરબીમાં 900 જેટલા યુનિટ્સ આવેલા છે. ભારત દર વર્ષે રૂ. 12,000 કરોડ જેવી સિરામિક ટાઇલ્સની નિકાસ કરે છે. ઇન્ડસ્ટ્રીના જણાવ્યા પ્રમાણે મોરબી એકલું રૂ. 10,000 કરોડથી વધારેની નિકાસ કરે છે.