- ભારતમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે વેક્સિનેશન અભિયાન
- દેશમાં વેક્સિનની ઉપલબ્ધતાને લઇને સરકારે રોડમેપ રજૂ કર્યો
- આ વર્ષાન્ત સુધીમાં ભારતમાં 18 વર્ષથી ઉપરના તમામને રસીના બન્ને ડોઝ મળી શકે છે
નવી દિલ્હી: ભારતની કોરોના સામેની જંગમાં હાલ વેક્સિનેશન અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે સમગ્ર દેશમાં રસીની ઉપલબ્ધતાને લઇને સરકારે રોડમેપ રજૂ કર્યો છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, સરકારે ડિસેમ્બર સુધી દેશમાં રસીની ઉપલબ્ધતાનો પૂરો રોડમેપ રજૂ કર્યો છે. આ વર્ષાન્ત સુધીમાં ભારતમાં 18 વર્ષથી ઉપરના તમામને રસીના બન્ને ડોઝ મળી શકે છે. જુલાઇ સુધીમાં દેશમાં 51.6 કરોડ ડોઝ ઉપલબ્ધ થશે. ઓગસ્ટથી ડિસેમ્બર સુધીમાં 216 કરોડ ડોઝનું ઉત્પાદન થશે.
અહીંયા મહત્વપૂર્ણ વાત એ છે કે આ રસીના ડોઝનું ઉત્પાદન સ્થાનિક સ્તરે જ થશે અને તેમાં આયાત થનારી રસી સામેલ નથી. ટાસ્ક ફોર્સના પ્રમુખ ડૉ. વી.કે.પોલે કહ્યું કે, રસીની ઉપલબ્ધતા વધારવાના પ્રયાસોનું પરિણામ થોડાક મહિનામાં જોવા મળશે. વિપક્ષે એ ના ભૂલવું જોઇએ કે ભારતમાં અત્યારસુધી 17.5 કરોડથી વધુ લોકોને રસી અપાઇ ચૂકી છે. આ દેશમાં બનેલી રસીને કારણે શક્ય બન્યું છે.
અમેરિકા જેવા દેશોમાં 17 કરોડ ડોઝ આપવામાં 115 દિવસ લાગ્યા જ્યારે મર્યાદિત સંસાધનો છતાં ભારતે માત્ર 114 દિવસોમાં 17 કરોડ ડોઝ આપવાની સિદ્વિ નોંધાવી. અત્યારસુધીમાં ભારતમાં 32 ટકાથી વધારે લોકોને રસીનો એક ડોઝ અપાઇ ચૂક્યો છે.
ભારત સરકાર અત્યારસુધીમાં કુલ 35.6 કરોડ રસીના ડોઝનો ઓર્ડર આપી ચૂકી છે. જેમાંથી 27.6 કરોડ ડોઝ કોવિશિલ્ડ તેમજ 8 કરોડ ડોઝ કોવેક્સિનના છે. જૂલાઇ સુધીમાં આ તમામની સપ્લાય શક્ય બનશે. કુલ 51.6 કરોડ ડોઝ ઉપલબ્ધ થશે. જેમાં 25 કરોડ લોકોને બન્ને ડોઝ લાગી શકે છે.
મહત્વનું છે કે, ઓગસ્ટ બાદ દેશમાં રસીની અછત દૂર થશે. સીરમ ઓગસ્ટ- ડિસેમ્બરની વચ્ચે મહિને લગભગ 15 કરોડનું ઉત્પાદન કરી 75 કરોડ ડોઝ પુરા પાડશે. તો ભારત બાયોટેક 11 કરોડ ડોઝના હિસાબે 55 કરોડ ડોઝ પુરા પાડશે.
(સંકેત)