નવા નાણાંકીય વર્ષના પહેલા દિવસે ભારતીય શેરબજારની ઐતિહાસિક શરૂઆત થઈ છે. સોમવારે મજબૂત ગ્લોબલ સંકેતો વચ્ચે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 320 અંકોની બઢત સાથે 38993.19ના સ્તર પર કારોબાર કરવા લાગ્યો. સેન્સેક્સનું આ ઓલટાઈમ હાઈલેવલ છે. આના પહેલા સેન્સેક્સે 29 ઓગસ્ટ, 2018ના રોજ રેકોર્ડ હાઈ 38989.65નું સ્તર જોયું હતું. આ બઢતના થોડાક સમય બાદ સેન્સેક્સે 39 હજારના સ્તરને પાર કર્યો હતો. આ પહેલીવાર છે કે જ્યારે સેન્સેક્સે 39 હજારના સ્તરને પાર પહોંચ્યો છે. સેન્સેક્સની બઢત 39025 સુધી પહોંચી ગઈ હતી.
તો નિફ્ટી પણ 11700ના સ્તરને પાર પહોંચ્યો છે. નિફ્ટીએ 28 ઓગસ્ટ, 2018ના 11739ના રેકોર્ડ હાઈલેવલને પ્રાપ્ત કર્યો હતો. જ્યારે ઓક્ટોબર-2018માં તે 10 હજારના સ્તરની નજીક આવી ગયો હતો.
સોમવારના શરૂઆતના કારોબારમાં સેન્સેક્સના જે શેરોમાં બઢત દેખાઈ છે, તેમા પીએસયૂ બેંક, ઓટો અને મેટલ ઈન્ડેક્સનો સમાવેશ થાય છે. ટાટા મોટર્સના શેરોમાં લગભગ છ ટકાની જ્યારે વેદાંતામાં લગભગ પાંચ ટકાની તેજી જોવા મળી છે. આ પહેલા શુક્રવારે સેન્સેક્સમાં વેદાંતાના શેરોમાં 3.20 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. તો ઓએનજીસી અને કોલ ઈન્ડિયામાં એક ટકાનો ઘટાડો થયો છે.
શુક્રવારે સેન્સેક્સ 127.19 અંક એટલે કે 0.33 ટકાના વધારા સાથે 38672.91 અંક પર બંધ થયો હતો. તો નિફ્ટીની વાત કરીએ તો તે 53.90 અંક અથવા 0.47ની બઢત સાથે 11623.90 અંક પર બંધ થયો હતો.
તો સોમવારે એટલે કે પહેલી એપ્રિલે કરન્સી માર્કેટમાં ટ્રેડિંગથઈ રહ્યું નથી. તેના પહેલા શુક્રવારે કારોબારમાં રૂપિયામાં 16 પૈસાની રિકવરી જોવા મળી હતી અને તે 69.14 રૂપિયા પ્રતિ ડોલરના ભાવ પર બંધ થયો હતો.
આ સપ્તાહે આર્થિક સ્તરે ઘણાં પ્રકારના એલાન થવાની શક્યતા છે. નવા નાણાંકીય વર્ષ 2019-20 (એપ્રિલથી માર્ચ)માં આરબીઆઈની મૌદ્રિક નીતિ સમિતિની પહેલી દ્વિ માસિક બેઠક બીજી એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. આ બેઠકમાં આરબીઆઈ દ્વારા પ્રમુખ વ્યાજદર એટલે કે રેપો રેટમાં ફરીથી ઘટાડાની આશા થઈ રહી છે. આ પહેલા સાતમી ફેબ્રુઆરીની બેઠકમાં એમપીસીએ રેપોરેટમાં 25 આધારા અંકોના ઘટાડો કરતા થયેલો રેપો રેટ 6.5 ટકાથી ઘટીને 6.25 ટકા કરવામાં આવ્યો હતો. આના સિવાય નિક્કી ઈન્ડિયા પીએમઆઈના માર્ચના આંકડાઓની ઘોષણા મંગળવારે થવાની છે.