- ભારતમાં રશિયાની Sputnik-V વેક્સિનના ભાવ નક્કી થયા
- ભારતમાં વેક્સિનના એક ડોઝની કિંમત 995.40 રૂપિયા રહેશે
- કોરોના વિરુદ્વ સ્પૂતનિક-5 વેક્સિન 91.6 ટકા કારગર નિવડી છે
નવી દિલ્હી: ભારતની કોરોના સામેની જંગમાં હવે આગામી સપ્તાહે ભારતને વેક્સિન તરીકે ત્રીજુ હથિયાર મળશે. આગામી સપ્તાહે ભારતમાં રશિયાની સ્પૂતનિક-5 આવી જશે. ભારતમાં ડૉ. રેડ્ડી લેબોરેટરી આ વેક્સિનનું પ્રોડક્શન કરશે. રશિયાની Sputnik V વેક્સિનના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. ભારતમાં વેક્સિનના એક ડોઝની કિંમત 995.40 રૂપિયા રહેશે. કોરોના વિરુદ્વ સ્પૂતનિક-5 વેક્સિન 91.6 ટકા કારગર નિવડી છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, રશિયાથી આયાત કરેલી સ્પૂતનિક 5 વેક્સિન પર 5 ટકા જીએસટી લાગૂ થશે.
ભારતમાં રશિયાની Sputnik Vનો પ્રથમ જથ્થો 1મેના રોજ આવ્યો હતો અને તેને 13 એપ્રિલના રોજ તાત્કાલિક ઉપયોગની મંજૂરી મળી હતી. આગામી સમયમાં રશિયાથી વધુ વેક્સિનનો જથ્થો આવશે અને ડૉ. રેડ્ડી લેબોરટરી દ્વારા વેક્સિનની સપ્લાય કરાશે.
ભારતમાં વેક્સિનેશન અભિયાન માટે અત્યારસુધી ત્રણ વેક્સિનને મંજૂરી મળી છે. કોવિશિલ્ડ, કોવેક્સિન અને રશિયાની સ્પૂતનિક-5 એમ જો ત્રણેય વેક્સિનની કિંમતની વાત કરીએ તો કોવિશિલ્ડ રાજ્ય સરકારોને 300 રૂપિયા અને કોવેક્સિન 400 રૂપિયામાં મળે છે. સ્પૂતનિકની કિંમત 995 રૂપિયા નિર્ધારિત કરાઇ છે.
આ ફોર્મમાં મળશે સ્પૂતનિક-5
Sputnik-V વેક્સિન પાવડર તેમજ લિક્વીડ એમ બંને ફોર્મમાં ઉપલબ્ધ થશે. લિક્વીડ વેક્સિનને માઇનસ 18 ડિગ્રીમાં રાખવી આવશ્યક છે અને પાવડરને 2 થી 8 ડિગ્રી તાપમાનમાં રાખવું આવશ્યક છે. ગત વર્ષે સપ્ટેમ્બર માસ દરમિયાન ડૉ. રેડ્ડીએ રશિયાની કંપની સાથે રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ હેઠળ વેક્સિનના ટ્રાયલ અને વહેંચણીને લઇને પાર્ટનરશીપ કરી હતી.