બંદરો ઉપર માલસામાનની હેરાફેરીમાં ગત વર્ષની સરખામણીમાં નોંધપાત્ર વધારો
દિલ્હીઃ કોરોના મહામારીને પગલે વેપાર-ધંધાને વ્યાપક અસર થઈ છે. દિલ્હી અન મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. ભારતના સૌથી મોટા સરકારી પોર્ટ જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ ખાતે માલસામાનની હેરફેરના વોલ્યુમમાં 60 ટકા વધારો થઈને 63.20 લાખ ટન્સ રહી હતી જે ગયા વર્ષના એપ્રિલમાં 39.50 લાખ ટન્સ રહી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર ચેન્નાઈ પોર્ટ ખાતે કારગોના વોલ્યુમમાં વધારો જોવા મળ્યો હતો. અન્ય કેટલાક બંદરો ખાતે કોરોનાને કારણે કામકાજ પર અસર પડી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ અસરને કારણે જહાજોમાંથી માલ ઊતારવામાં તથા જહાજો લંગરવામાં ઢીલ થઈ શકે છે. આ ઢીલને કારણે વૈશ્વિક પૂરવઠા સાંકળ ખોરવાઈ જવાનો ભય રહેલો છે. દક્ષિણ ભારતના કારૈકાલ બંદર ખાતે 24મી મે સુધી કરાર લાગુ નહીં કરવાની જાહેરાત આવી પડી છે. કોરોનાને કારણે શ્રમિકોની અછતથી કામકાજ પર અસર પડી છે જેને કારણે કરારનું પાલન થઈ શકે એમ નથી. આ બંદરથી કોલસા, ખાંડ તથા પેટ્રોલિયમ પ્રોડકટસ સહિતની કોમોડિટીઝની મોટેપાયે હેરફેર થાય છે. ઓરિસ્સાના ગોપાલપુર બંદર ખાતે પણ આવી જ કંઈક સ્થિતિ જોવા મળી રહી છે. વિશાખાપટ્ટનમના બંદર ખાતે પણ કામકાજ પર આંશિક અસર પડી હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને પગલે ગયા વર્ષે લોકડાઉન આપ્યાં બાદ અનલોકમાં ધીરે-ધીરે વેપાર-ધંધા શરૂ થયાં હતા અને ફરી ગાડી પાટે ચડી રહી હતી. દરિયાન કોરોનાની બીજી લહેરને પગલે અનેક રાજ્યોમાં લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. જેથી નાના વેપારીઓ અને નોકરિયાત વર્ગની આર્થિક મુશ્કેલીઓ વધી છે.