દિલ્લીમાં આ લોકોને જ મળશે બ્લેક ફંગસની દવા, કેજરીવાલ સરકારે બનાવી ખાસ કમિટી
દિલ્લી: દેશમાં કેટલાક રાજ્યોમાં બ્લેકફંગસના કેસ જોવા મળી રહ્યા છે. જે રાજ્યમાં બ્લેક ફંગસના કેસ જોવા મળી રહ્યા છે ત્યાં સરકાર દ્વારા ખાસ પ્રકારની તૈયારીઓ કરવામાં આવે છે ત્યારે દિલ્લીમાં પણ કેજરીવાલ સરકારે ખાસ કમિટી બનાવી છે.
આ કમિટીમાં ચાર સદસ્યોની ટીમ છે જેમાં ડૉ.એમ.કે.ડાગા, ડૉ.મનીષા અગ્રવાલ, ડૉ.એસ.અનુરાધા અને ડૉ.રવિ મેહરને રાખવામાં આવ્યા છે. આ ટીમ દ્વારા Amphotericin-B ઈન્જેક્શનના વપરાશની પરવાનગી આપવામાં આવશે. આ ટીમ દ્વારા નક્કી કરવામાં આવશે કે કોને ઈન્જેક્શન આપવામાં આવશે અને કોને આપવામાં આવશે નહી.
દિલ્લી સરકાર દ્વારા ઈન્જેક્શનની થતી કાળા બજારીને રોકવા માટે આ પ્રકારના પગલા લેવામાં આવ્યા છે. તાજેતરમાં જ દિલ્હી સરકારના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને જણાવ્યું હતું કે બ્લેક ફંગસના ઉપચારમાં ઉપયોગમાં લેવાતા ઇન્ફેક્ટેબલ એમ્ફોટેરિસિન-બીના 1 લાખ ડોઝની માંગ કેન્દ્ર સરકાર પાસે કરવામાં આવી છે.
જે હોસ્પિટલને આ ઈન્જેક્શનની જરૂર હશે તે આ કમિટી પાસે ઈન્જેક્શન માટે એપ્લાય કરશે, હોસ્પિટલોએ આ માટે ઈમેઈલ અથવા હાર્ડ કોપીથી એપ્લિકેશન કરવી પડશે. આવેલી એપ્લિકેશન પર ઈન્જેક્શન આપવા કે નહી તે માટે સવારે 10થી 11 અને સાંજે 4થી 5માં બેઠક થશે.
જે હોસ્પિટલને ઈન્જેક્શન આપવામાં નહી આવે તેને લેખિતમાં જાણ કરવામાં આવશે અને એક કોપી ઓનલાઈન નેટ પર મુકવામાં આવશે. ડીજીએચએસ અને બધા સ્ટોકિસ્ટ સુનિશ્ચિત કરશે કે તે જ દિવસે ઇંજેક્શન્સ હોસ્પિટલોમાં પહોંચે. આ સાથે જોડાયેલા તમામ રેકોર્ડ ડીજીએચએસની કચેરી દ્વારા જાળવવામાં આવશે. જે તે હોસ્પિટલે સૂચિત દર્દી માટે ઈન્જેક્શનના ઉપયોગનો અહેવાલ સુપરત કરવો પડશે.
Amphotericin-B ઈન્જેક્શનના યોગ્ય ઉપયોગ માટે હોસ્પિટલ વહીવટ વ્યક્તિગત રૂપે જવાબદાર રહેશે, તેઓ ખાતરી કરશે કે તેનો કોઈ પણ રીતે દુરૂપયોગ ન થાય. તેઓએ આગામી સમયમાં ઓડિટને ધ્યાનમાં રાખીને આનો રેકોર્ડ પણ રાખવો પડશે.
Amphotericin-B ઇન્જેક્શનને કેન્દ્ર સરકાર દ્વારા પૂરા પાડવામાં આવતા સ્ટોક મુજબ વિતરણ કરવામાં આવશે. વિતરણની પ્રક્રિયામાં કોઈ પ્રતીક્ષા સૂચિ બનાવી શકાતી નથી. જો સ્ટોક ખત્મ થવાના આરે હશે અને નવો સ્ટોક આવશે તો હોસ્પિટલોને જાણ કરવામાં આવશે અને નવી અરજીઓ મંગાવવામાં આવશે.