- રાજકોટ જિલ્લા કલેક્ટરનું નિવેદન
- શહેરમાં બનશે મ્યુકરમાઈકોસિસ માટે હોસ્પિટલ
- તંત્ર દ્વારા આગમચેતીના પગલા
રાજકોટ: દેશમાં કોરોનાવાયરસની બીમારીનો અંત આવ્યો નથી કે તેની સાથે સાથે નવી બીમારી આવી છે જેનું નામ છે મ્યુકરમાઈકોસિસ, આ બીમારીના કેસ દેશના અનેક રાજ્યોમાં જોવા મળ્યા છે અને તેને લઈને તમામ રાજ્યોની સરકાર અને જે તે શહેરના તંત્ર દ્વારા પગલા લેવામાં આવ્યા છે.
આવા સમયમાં ગુજરાતના ચાર મહાનગરોમાંનું એક શહેર રાજકોટ પણ પાછળ નથી. રાજકોટના જિલ્લા કલેક્ટર દ્વારા જાણકારી આપવામાં આવી છે શહેરમાં મ્યુકરમાઈકોસિસની બીમારી સામે અગાઉથી પગલા લેવામાં આવ્યા છે અને તેને પહોચી વળવા માટે શહેરમાં 1000 બેડની હોસ્પિટલ પણ તૈયાર કરવામાં આવશે.
રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સમરસ હોસ્ટેલમાં આ હોસ્પિટલ ઉભી કરવામાં આવશે તેવી જાણકારી આપવામાં આવી છે. હાલ મ્યુકરમાઈકોસિસના દર્દીને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. રાજકોટ એ સૌરાષ્ટ્રનું મોટુ શહેર ગણાતા જિલ્લાની આસપાસના ગામડાના લોકો પણ સારવાર માટે રાજકોટ આવે છે.
આ દર્દીની સમસ્યાને પહોંચી વળવા માટે સમરસ હોસ્ટેલમાં કોરોના દર્દી માટેના બેડ મોટી સંખ્યામાં ખાલી છે અને આ સ્થળે હવે આખો ફ્લોર ખાલી કરાવીને ત્યાં મ્યુકરમાઈકોસિસના દર્દીઓને સારવાર મળશે. હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 430 અને ખાનગી હોસ્પિટલમાં 200 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આમાંથી 96 જેટલા દર્દીઓનું ઓપરેશન કરવુ પડે તેવી સ્થિતિમાં છે અને સિવિલ હોસ્પિટલમાં દિવસના વધુમાં વધુ 8 ઓપરેશન થઈ શકે તેમ છે અને તેને 22 સુધી લઈ જવાય તેમ છે.
મ્યુકરમાઈકોસિસની સારવાર માટે જે ઈન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે તે માત્ર સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ હતા જેના કારણે સરકારી હોસ્પિટલમાં ઘસારો રહે છે પરંતુ હવે તેને પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ આપવામાં આવશે જેથી સરકારી હોસ્પિટલનો ભાર ઘટી શકે.