અમરેલીમાં વાવાઝોડામાં બંધ થયેલા 331 રસ્તાઓ પુનઃ કાર્યરત કરાયાં
અમદાવાદઃ અમરેલી જિલ્લામાં તાઉ’તે વાવાઝોડાના લીધે જિલ્લાના કુલ 331 રસ્તાઓ વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થતા કે અન્ય કારણોસર બંધ હાલતમાં હતા જે માત્ર ગણતરીના દિવસોમાં 100 ટકા ફરી કાર્યરત કરી દેવામાં આવ્યા છે.
જિલ્લા કલેક્ટર આયુષ ઓક જણાવ્યું હતું કે, સમગ્ર અમરેલી જિલ્લામાં રોડ રસ્તાની બાબતમાં વાવાઝોડાથી મોટાપાયે નુકસાન થવા પામ્યું હતું. પરંતુ વાવાઝોડાના માત્ર ગણતરીના દિવસોમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં કુલ મળીને 331 જેટલા રસ્તા પૈકી તમામે તમામ રસ્તાઓ પુનઃ શરુ કરી દેવામાં આવ્યા છે.
તંત્રના વિવિધ વિભાગોની કામગીરી બિરદાવતા કલેક્ટરએ જણાવ્યું હતું કે તંત્ર અધિકારીઓએ કામની અગત્યતા સમજી વાવાઝોડા ગયાને બીજી જ કલાકે યુદ્ધના ધોરણે રોડ રસ્તાના ક્લિયરિંગનું કામ આરંભી દેવામાં આવ્યું હતું. પરિણામે પહેલા બે દિવસમાં કુલ રસ્તાઓના 85 ટકા જેટલા રસ્તાઓ ખુલ્લા કરી દેવામાં આવ્યા હતા. ફક્ત ત્રણ જ દિવસમાં સંપુર્ણપણે આટોપી લેવામા આવ્યું હતું જે ખરેખર પ્રશંસનીય છે. આ કામ માટે સમગ્ર જિલ્લામાં કુલ 26 જેટલી ટીમોએ જેસીબી તેમજ અન્ય સંસાધનો સાથે રાત દિવસ એક કરીને કામ કર્યું હતું.