દ્વારકાનું જગતમંદિર 27મી મે સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે
ખંભાળિયાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના જગત મંદિરને આગામી તા.27મી મે સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.વર્તમાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ વધુ એક વખત જગતમંદિરના દ્વાર બંધ રાખવાના સમયને લંબાવવામાં આવ્યો છે. સુપ્રસિધ્ધ જગત મંદિરમાં દરરોજ હજારો ભાવિકો દર્શનાર્થે આવતા હોય છે. બહોળી સંખ્યામાં આવતા શ્રધ્ધાળુઓના કારણે કોરોના સંક્રમણનો પણ ભય રહે છે.જેના પગલે ભાવિકોની સુખાકારી માટે કલેકટર દ્વારા જગત મંદિરના દ્વાર તા.11 એપ્રિલથી બંધ કરાયા હતા. હાલ કોરોના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લઇ જગતમંદિરને વધુ એક વખત તા.27 મી મે સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે સરકારે ગાઈડલાઈન જાહેર કરી હતી. અને 36 શહેરોમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો હતો. ધાર્મિક ટ્રસ્ટોએ પણ મંદિરો ભાવિકોના દર્શન માટે ભંધ કર્યા હતા. સોમનાથ મંદિર ટ્રસ્ટે તો ભાવિકો માટે મંદિર બંધ રાખીને મંદિરના ગેસ્ટહાઉસમાં કોરોનાના કેર સેન્ટર શરૂ કર્યા હતા. ચામુડાં માતાજીનું મંદિર પણ ભાવિકાના દર્શન માટે બંધ કરવામાં આવ્યુ છે. અન્ય મંદિરો પણ દર્શન માટે બંધ કરાયા છે, ત્યારે દ્વારકાનું સુપ્રસિદ્ધ જગત મંદિર પણ દર્શન માટે આગમી તા. 27 મે સુધી દર્શન માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જગત મંદિર અંદર ભગવાનનો નિત્યક્રમ રાબેતા મુજબ કરવામાં આવશે તેમજ તેનું લાઈવ પ્રસારણ પણ જગત મંદિરની વેબસાઇટ ઉપરથી ભક્તો નિહાળી શકશે.