તાઉ-તે વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોની કોંગ્રેસના આગેવાનોએ મુલાકાત લીધીઃ 100 વળતરની માગ કરી
અમદાવાદ: તાઉ-તે વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવાઈ નિરિક્ષણ કર્યા બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતા. હવે કોંગ્રેસના આગેવાનો અસરગ્રસ્તોની વેદના સાંભળવા માટે મુલાકાત લઈ રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા તેમજ સાથે ધારાસભ્ય પૂંજાભાઈ વંશ, ગીર સોમનાથ ધારાસભ્ય વિમલ ચુડાસમા , ઋત્વિક મકવાણા , રાજુભાઇ ગોહેલ તેમજ ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ ઊના તાલુકાના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી. ગ્રામજનોને કોંગ્રેસ દ્વારા એવી ખાતરી આપવામાં આવી હતી કે, નુકશાનીનું 100 વળતર મળવું જોઈએ તે માટે સરકારને રજુઆત કરવામાં આવશે.
ગીર સોમનાથ વિધાનસભા ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જણાવ્યુ હતુ કે, લગભગ ૫૦ વર્ષ જૂની આંબાવાડિયું, કેસર કેરીના બગીચાઓ, બાળકની જેમ ઉછેરેલા છોડ આજ પુખ્તવયના થયા અને આવક આપતા થયા હતા અને ૫૦ વર્ષ જૂના ઝાડ વાવાઝોડાની એક જ ઝપટે જમીન દોસ્ત થઈ ગયા, જડમૂળથી ઊખડી ગયા તેમજ નાળિયેરીઓ ૫ વર્ષથી ૨૫, ૩૦, ૪૦ વર્ષ જૂના થડીયા કે જેના ઉપર ખેડૂતોના ઘરનું ભરણપોષણ થતું હતું, આ બધી જ નાળિયેરીને વાવાઝોડાએ જડમૂળથી ઉખેડી ફેંકી દીધી છે. કોઈ માછીમારનો દીકરો ઘર પહેલા બોટ વસાવે કે જ્યાંથી એના પરિવારનું ભરણપોષણ થાય, આજ માછીમારો એવા સાગરખેડું પણ પાયમાલ છે અને જમીન ઉપર નભતા ખેડૂતો પણ પાયમાલ થઈ ગયા છે અને ગરીબ માણસોના લગભગ ગામ દીઠ 50થી 100 ખોરડાના નળિયા ઉડી ગયા છે, પતરા ઉડી ગયા છે, સિમેન્ટની શીટો ઉડી ગઈ છે, કાચી દીવાલ ધસી પડી છે, એની ઘરવખરી ક્યાંક પલળી ગઈ કે રફે-દફે થઈ ગઈ છે.
આવી ગંભીર સ્થિતિમાં આ સુતેલી સરકાર જાગે, હવાઈ નિરીક્ષણ બંધ કરી જમીન ઉપર ઉતરે, લોકોની સમસ્યાઓને સાંભળે, સમજે અને સત્વરે આનો સર્વે કરી 100 ટકા વળતર ચૂકવે એવી લાગણી અને માંગણી છે. તો બીજી તરફ પ્રદેશ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અર્જૂન મોઢવાડિયા પણ અમરેલી જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તાર મુલાકત કરી હતી . વિપક્ષ નેતા પરેશ ધાનાણી , સાવરકુંડલા ધારાસભ્ય પ્રતાપ દુધાત સહિત આગેવાનો હાજર રહ્યા હતા . નોંધનિય છે કે રાજ્ય સરકાર દ્વારા પણ નુકશાન સત્વરે સર્વે કરવા આદેશ અપાયા છે .