કોરોના વેક્સિનેશન : દેશમાં અત્યાર સુધીમાં 19.84 કરોડથી વધુ લોકોને મળી વેક્સિન, જાણો 18-44 વર્ષની વયના કેટલા લોકોને વેક્સિન આપવામાં આવી
- કોરોના વાયરસનું સંક્રમણ સરકારના પ્રયાસ
- લાખોની સંખ્યામાં લોકોને મળી રહી છે રસી
- અત્યાર સુધીમાં 19.84 થી વધુ ને મળી રસી
દિલ્હી : ભારતમાં વેક્સિનેશનની પ્રકિયા રોકેટની ઝડપે ચાલી રહી છે. દેશમાં રોજ લાખોની સંખ્યામાં લોકોને વેક્સિન આપવામાં આવે છે.દેશમાં વેક્સિનેશનની પ્રકિયાને વધારે ગતિમાન કરવા માટે સરકાર દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
દેશમાં અત્યાર સુધીમાં કોવિડ -19 ના 19.84 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે આ અંગે માહિતી આપી હતી. મંત્રાલયે કહ્યું હતું કે, 37 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 1 મેં થી શરૂ થયેલ ત્રીજા ચરણમાં રસીકરણ અભિયાન બાદથી અત્યાર સુધીમાં 18- 44 વર્ષના કુલ 1,18,81,337 લાભાર્થીઓને કોવિડ-19 રસી આપવામાં આવી છે. આ વય જૂથના 12,52,320 લાભાર્થીઓને સોમવારે કોવિડ-19 રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, દેશમાં અત્યાર સુધીમાં રસીના કુલ 19,84,43,550 ડોઝ આપવામાં આવ્યા છે.
મંત્રાલય મુજબ, અત્યાર સુધીમાં 97,78,142 સ્વાસ્થ્ય કર્મચારીઓએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે, જ્યારે, 67,18,515 સ્વાસ્થ્ય કર્મચારીઓએ પણ રસીનો બીજો ડોઝ લીધો છે. એ જ રીતે, અગ્રીમ મોરચાના 1,50,74,689 લાભાર્થીઓએ પ્રથમ ડોઝ લીધો છે, જ્યારે 83,55,642 એ બીજો ડોઝ લીધો છે. મંત્રાલયના વચગાળાના અહેવાલ મુજબ રસીકરણ અભિયાનના 129 મા દિવસે સોમવારે 23,65,395 લોકોને રસી આપવામાં આવી હતી.