અમદાવાદઃ શહેરમાં કોરોનાની બીજી લહેરમાં પોઝિટિવ કેસ સામે આવતા સંક્રમણ ફેલતુ અટકાવવા માટે કોર્પોરેશન દ્વારા પરિવહન સેવા એએમટીએસ અને બીઆરટીએસ સેવા બંધ કરવામાં આવી હતી. જો કે, હવે કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત ઘટી રહ્યાં હોવાથી આગામી તા. 28 મીથી ફરી AMTS અને BRTS સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, રાજ્ય સરકારની મંજૂરી બાદ જ શહેરમાં AMTS અને BRTS સેવા શરૂ કરવામાં આવશે.
સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ સહિત રાજ્યભરમાં હજુ હજારોની સંખ્યામાં દરરોજ પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. બીજી તરફ અમદાવાદ સહિત 36 શહેરમાં સરકાર દ્વારા કેટલીક છૂટ આપવામાં આવી છે. જેથી પ્રાથમિક તબક્કે ગણતરીની રૂટ ઉપર જ બસો દોડાવવામાં આવે તેવી શકયતા છે. તેમજ કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવામાં આવશે. એટલું જ નહીં દરરોજ બસોને સેનિટાઈઝ કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી કોરોનાનું સંક્રમણ ના ફેલાય. આ ઉપરાંત માસ્ક વિના મુસાફરોને પ્રવાસ નહીં કરવા દેવાય. કોર્પોરેશન દ્વારા બસ સેવા બે મહિના બાદ ફરીથી શરૂ કરવા માટે તૈયારીઓ શરૂ કરી લીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાની પ્રથમ લહેરમાં પણ મેગાસિટિ અમદાવાદમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. આ ઉપરાંત કોરોનાની બીજી લહેરમાં પણ અમદાવાદ અને સુરતમાં પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. જેથી સંક્રમણ વધારે ન ફેલાય તે માટે મનપા દ્વારા તા. 18મી માર્ચના રોજ બસ સેવા બંધ કરવામાં આવી હતી. જો કે, હવે સવા બે મહિનાના લાંબા ગાળા બાદ ફરીથી સેવા શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી શહેરીજનોને પણ પરિવહનમાં રાહત મળશે. કોરોનાની પ્રથમ લહેરમાં પણ બે મહિનાથી વધારે સમય માટે બસ સેવા બંધ રાખવામાં આવી હતી.