હવે ટોલ પ્લાઝા પર 100 મીટર કરતા વધારે કતાર હશે તો નહીં આપવો પડે ટોલ, NHAIએ ગાઇડલાઇન જારી કરી
- હવે ટોલ પ્લાઝા પર ટ્રાફિક હશે તો ટોલમાંથી મળશે મુક્તિ
- જો ટોલ પ્લાઝા પર 100 મીટર કરતા વધારે લાબો જામ હશે તો, વાહનો પાસેથી ટોલ ટેક્સ નહીં લેવામાં આવે
- NHAIએ તેના સંદર્ભમાં ગાઇડલાઇન રજૂ કરી
નવી દિલ્હી: હવે તમને કેટલીક સ્થિતિમાં ટોલ ભરવામાંથી મુક્તિ મળશે. એનું કારણ એ છે કે ટોલને લઇને NHAIએ નવી ગાઇડલાઇન બહાર પાડી છે. જે અનુસાર જો ટોલ પ્લાઝા પર 100 મીટર કરતા વધારે લાબો જામ હશે તો, વાહનો પાસેથી ટોલ ટેક્સ નહીં લેવામાં આવે. આ સાથે જ ટોલ પ્લાઝા પર પીક અવર્સ પર પ્રત્યેક વાહનનો વેઇટિંગ ટાઇમ ઓછામાં ઓછો 10 સેકન્ડ કરી દેવામાં આવ્યો છે. જેથી વાહન ચાલકોને ટોલ પ્લાઝા પર વધારે સમયનો વેડફાટ ના થાય.
NHAIની ગાઇડલાઇન અનુસાર ફાસ્ટટેગ ફરજીયાત બન્યા બાદ મોટાભાગના ટોલ પ્લાઝા પર વાહનચાલકોને વધુ પ્રતિક્ષા કરવી પડતી નથી. વાહનોની કતાર 100 મીટર સુધી રહેતી નથી. પરંતુ જો કોઇ અગમ્ય કારણોસર ટોલ પ્લાઝા પાસે લાંબી કતાર હોય તો અને 100 મીટરથી વધારે કતાર હોય તો વાહનચાલકો પાસેથી ટોલ લેવામાં આવશે નહીં. આ માટે, દરેક ટોલ બૂથથી 100 મીટરના અંતરે પીળી લાઇન દોરવામાં આવશે, તે ટોલ ઓપરેટરની જવાબદારી રહેશે.
નોંધનીય છે કે, સરકારે 2021માં ફેબ્રુઆરી મહિનાથી ફાસ્ટેગને ફરજીયાત કર્યા છે અને NHAIએ તમામ ટોલ પ્લાઝાને કેશલેસ કર્યા છે. NHAIના ટોલ પ્લાઝામાં, 96 ટકા અને અન્ય ટોલ પ્લાઝા 99 ટકા ઝડપથી ટોલ એકત્રિત કરી રહ્યા છે. આ વ્યવસ્થા ભાવિમાં ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. NHAI એનએચ પર સલામત, આરામદાયક અને જામ મુક્ત મુસાફરી પ્રદાન કરવા માટે પ્રતિબદ્વ છે.