ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય સુવિધાઓ અંગે હાઈકોર્ટે વ્યક્ત કરી ચિંતા
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ મુદ્દે હાઈકોર્ટમાં અરજી થઈ હતી. આ અરજીમાં હાઈકોર્ટે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની સુવિધાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ કોર્ટે તાકીદ કરી હતી કે, ઘટતા જતા કોરોના કેસના કારણે હવે વાયરસ ગયો તેવા વિશ્વાસમાં નહી રહેવા અને સંભવત ત્રીજી લહેર કે પછી કોઈપણ સ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ. અમદાવાદમાં કોઈ વ્યક્તિ ટ્રાફીક સીગ્નલની લાઈન ઓળંગવાની કોશીશ કરતો નથી તેવું સરકારે માસ્ક, સોશ્યલ ડીસ્ટન્સ અને સેનીટાઈઝરના નિયમોનું પાલન થાય તે માટે જોવું જોઈએ. તેમ હાઈકોર્ટે સરકારને સૂચન કર્યું હતું.
કેસની હકીકત અનુસાર કોરોનાને લઈને હાઈકોર્ટમાં થયેલી અરજીની સુનાવણી યોજાઈ હતી. કોર્ટે નોંધ્યું હતું કે, ચીન જેવી શિસ્ત તો આપણે અહીં અપેક્ષા કરી શકીએ નહી, જેથી કોવિડનો અંત લાવી શકાય, પરંતુ રાજય સરકારે ભવિષ્યની સંભવત ત્રીજી કે ચોથી વેવ માટે આરોગ્ય સુવિધાને વધુ મજબૂત બનાવી પડશે. તેમજ કોવિડ નિયમોનું પાલન થાય તે જોવું જરૂરી છે. સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કહ્યું હતું કે, આપણે લોકશાહીની કિંમત ચૂકવી રહ્યા છીએ. સામ્યવાદી ચાઈના આ સમસ્યા સામે સફળતાપૂર્વક લડયું છે. હાઈકોર્ટે જણાવ્યું કે ગ્રામીણ ક્ષેત્રમાં આરોગ્ય સેવા અત્યંત ખરાબ હાલતમાં છે.પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર અને ગ્રામીણ કેન્દ્રોમાં તબીબ, નર્સ તથા દવા વિ. તંગી છે. સરકારે ગ્રામીણ ક્ષેત્રમાં આ સ્થિતિ સુધારવાની કોશીશ કરવી જોઈએ. ઉપરાંત બ્લેક ફંગલ જેવી બીમારીઓની પણ હવે સમસ્યા છે અને વધુ લોકો તેનો ભોગ બની રહ્યા છે તેની ચિંતા થવી જોઈએ.