અમદાવાદ : શહેરમાં ડી.આર.ડી.ઓ અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસે ધન્વંતરી કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. ધન્વંતરી કોવિડ હોસ્પિટલ કંપાઉન્ડમાં પોસ્ટ કોવિડ દર્દીઓની સારસંભાળ રાખવા પોસ્ટ કોવિડ કેર વોર્ડનો શુભારંભ કરાવવામાં આવ્યો છે. રાજ્યભરમાં કોવિડ હોસ્પિટલની લગોલગ પોસ્ટ કોવિડ કેર વોર્ડ શરૂ કરાયો હોય તેવી આ પહેલી ધટના છે. 200 બેડની ક્ષમતા ધરાવતા આ વોર્ડ઼માં દર્દીની માનસિક અને શારિરીક સ્વાસ્થ્ય સ્થિતિ પર વધુ ધ્યાન રાખવામાં આવશે તેમ ધન્વંતરી કોવિડ હોસ્પિટલમા મેડિકલ સુપ્રીન્ટેન્ડેટન્ટ ડૉ. જયદીપ ગઢવીએ જણાવ્યુ હતુ.
તેમણે વધુમાં કહ્યું હતું કે, કોરોના થી સાજા થઇ ગયેલા દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થવી, શારિરીક નબળાઇ અનુભવવી, મન:સ્થિતિ સારી ન હોવી આ તમામ પ્રકારની સારવારનો સમાવેશ આ વોર્ડમાં કરવામાં આવશે. એડીશનલ મેડિકલ સુપ્રીન્ટેન્ડેટન્ટ ડૉ. બિમલ મોદીએ કહ્યું કે, પોસ્ટ કોવિડ કેરની જરૂરિયાત ધરાવતા દર્દીઓ માટે આંગળીના ટેરવે રજીસ્ટ્રેશન ઉપલબ્ધ થાય તે માટે “ક્યુ.આર. કોડ” સ્કેન કરીને અથવા વેબસાઇટ પર મોબાઇલ થી જ રજીસ્ટ્રેશન કરાવી શકે તે માટેની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. જે દર્દીઓને ફક્ત ઓ.પી.ડી.ની સારવારની જરૂર હોય તેવા દર્દીઓ ફોલોઅપ માટે પણ રજીસ્ટ્રેશન કરાવી શકશે. જ્યારે પોસ્ટ કોવિડ દર્દીઓને ઘરે ઓક્સિજન કન્સન્ટ્રેટરની વ્યવસ્થા ન હોય અથવા 5 થી 10 લીટર ઓક્સિજન ક્ષમતા પર સારવારની જરૂર હોય તેવા પ્રકારના દર્દીઓ આ ક્યુઆર કોડ પર રજીસ્ટ્રેશન કરાવીને દાખલ થઇ શકશે. પોસ્ટ કોવિડ વોર્ડમાં આવતા દર્દીઓને ડાયટ મેનેજમેન્ટ, ફીઝીયોથેરાપી કસરતો, રોગપ્રતિકારક શક્તિ વધારવા પર ભાર આપીને સંપૂર્ણપણે રીકવરી આવે અને જીવનશૈલી પૂર્વવત બને તે માટેની સારવાર પધ્ધતિ હાથ ધરવામાં આવશે.
ડી.આર.ડી.ઓ. કોવિડ હોસ્પિટલના નોડલ કર્નલ અરવિંદે કહ્યું કે, સમગ્ર દેશમાં આવી પડેલી મહામારીમાં દેશની ત્રણેય સંરક્ષણ પાંખોના તબીબો કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં કદમ થી કદમ મીલાવીને રાઉન્ડ ધ ક્લોક કાર્ય કરી રહ્યા છે. સીવિલ સ્ટાફ સાથે તેમને સહકાર કરીને મદદરૂપ બનવાના શુભ આશયથી દેશના મુખ્ય પાંચ શહેરોમાં કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. જેમાંની અમદાવાદમાં કાર્યરત કોવિડ હોસ્પિટલ સૌથી મોટી છે.