- ઝારખંડ અને છત્તીસગઢ બાદ હવે પંજાબ સરકારે પણ લીધુ પગલું
- પંજાબ સરકારે વેક્સિનેશન સર્ટિફિકેટમાંથી પીએમ મોદીની તસવીર હટાવી
- વેક્સિનેશન સર્ટિફિકેટ પર હવે પંજાબ સરકારે મિશન ફતેહનો લોગો લગાવ્યો છે
નવી દિલ્હી: હાલમાં વેક્સિનેશન બાદ વેક્સિન લીધી છે તેના માટે સરકાર દ્વારા વેક્સિનેશન સર્ટિફિકેટ આપવામાં આવે છે જેમાં પીએમ મોદીની તસવીર આપેલી છે. જો કે ઝારખંડ અને છત્તસીગઢની સરકારે વેક્સિનેશન સર્ટિફિકેટ પરથી પીએમ મોદીની તસવીર હટાવી લીધી છે અને હવે પંજાબે પણ વેક્સિનેશન સર્ટિફિકેટ પરથી પીએમ મોદીની તસવીર હટાવી લીધી છે.
ઝારખંડ અને છત્તીસગઢ બાદ પંજાબ આ પગલું લેનાર ત્રીજું રાજ્ય બન્યું છે. કોરોનાની રસી માટેના વેક્સિનેશન સર્ટિફિકેટ પર હવે પંજાબ સરકારે મિશન ફતેહનો લોગો લગાવ્યો છે. આ પહેલા ઘણા રાજકીય પક્ષો પીએમ મોદીની વેક્સિનેશન સર્ટિફિકેટ પરની તસવીર સામે આપત્તિ જાહેર કરી ચૂક્યા છે.
હાલમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે વેક્સિનની માંગણીને લઇને ખટરાગ ચાલી રહ્યો છે તેવું કહેવાઇ રહ્યું છે. કેટલાક રાજ્યોએ તો વિદેશથી પોતાની જાતે વેક્સિન ખરીદવા માટે ટેન્ડર પણ બહાર પાડ્યા છે. જો કે પંજાબ સરકારને મોર્ડના તેમજ ફાઇઝર કંપની સીધી વેક્સિન આપવાનો ઇનકાર કરી ચૂકી છે.
પંજાબમાં વેક્સિનેશનની પ્રાથમિકતા ધરાવતા લોકોની સૂચમાં દુકાનદારો, આરોગ્ય કર્મીઓ, નાની દુકાનો અને લારી ગલ્લાવાળા અને ઔદ્યોગિક કામદારો, બસ અને ટેક્સી ડ્રાઇવરોને સામેલ કરાયા છે.
નોંધનીય છે કે, રાજ્યમાં ઘણા લોકોએ વેક્સિન માટે દાન આપ્યું છે. રાજ્યમાં જેમને પ્રાથમિકતા અપાઇ છે તેવા લોકો પૈકી 4.3 લાખ લોકોને રસી આપવામાં આવી છે તેવું મુખ્યમંત્રી અમરિન્દર સિંહે કહ્યું હતું.