શ્રીલંકામાં એસિડવર્ષાની સંભાવના, કાર્ગો શિપમાં લાગી હતી આગ અને ભારતે કરી હતી મદદ
- શ્રીલંકામાં એસિડવર્ષાની સંભાવના
- કાર્ગો શિપમાં લાગી હતી આગ
- સંકટમાં શ્રીલંકાની મદદે આવ્યું ભારત
કોચી: શ્રીલંકાના કોલોંબો કિનારે સિંગાપુરના ઝંડાવાળુ જે જહાજમાં આગ લાગી હતી તેને લઈને શ્રીલંકાની સર્વોચ્ચ પર્યાવરણ સંસ્થા દ્વારા આગાહી કરવામાં આવી છે. સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે જહાજમાં આગ લાગી હતી તેનાથી નાઈટ્રોજન ડાયઓક્સાઈડનું ઉત્સર્જન થયુ હતુ અને તેના કારણે એસિડ વર્ષ થવાની સંભાવના છે.
શ્રીલંકાની સંસ્થાએ લોકોને સતર્ક રહેવાનું પણ કહ્યું છે અને આ સંકટમાં શ્રીલંકાની મદદે ભારત આવ્યું છે.
કાર્ગો શિપ એમવી ‘એક્સ-પ્રેસ પર્લ’ ગુજરાતના હજીરાથી કોલંબો બંદર પર કેમિકલ્સ અને કોસ્મેટિક્સ માટે કાચો માલ લઈને આવતુ હતુ. 20 મેના રોજ આ જહાજ કોલંબોથી 18 કિમી ઉત્તર પશ્ચિમ દિશામાં હતું અને બંદરમાં પ્રવેશની રાહ જોઈ રહ્યું હતું ત્યારે આગ લાગી હતી. એક્સ પ્રેસ પર્લ ટેન્ક્સમાં 325 મેટ્રિક ટન બળતણ અને 25 ટન હાનિકારક નાઇટ્રિક એસિડ હતું.
એક સંસ્થાના અધિકારીએ જણાવ્યું હતું કે, “ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોએ જાગ્રત રહેવું જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે તેઓ આ દિવસોમાં વરસાદમાં ભીંજાય નહીં.”
એમઈપીએએ જણાવ્યું હતું કે આગને ખૂબ હદ સુધી અંકુશમાં લેવામાં આવી છે અને અધિકારીઓ કાર્ગો શિપમાં આગને કારણે પ્રદૂષણ ફેલાવાના ભયથી બચવા શક્ય તેટલી વહેલી તકે દરિયાકિનારાની સફાઇ માટે તમામ યોગ્ય પગલા લઈ રહ્યા છે.
નેવલ કમાન્ડર નિશાંત યુલુગેટિને શુક્રવારે કહ્યું હતું કે, વહાણના બે ભાગમાં ભંગાણ પડવાનો કોઈ ભય નથી અને વહાણ હવે સ્થિર છે. આગની બાતમી મળ્યા બાદ મંગળવારે વહાણના ભારતીય, ચાઇનીઝ, ફિલિપાઇન્સ અને રશિયન નાગરિકત્વ ક્રૂના તમામ 25 સભ્યોને બચાવી લેવામાં આવ્યા હતા.