- લદાખ વિસ્તારમાં ચીનની ગતિવિધિઓ પર અમેરિકાની નજર
- ચીને લદાખ વિસ્તારમાં કેટલીક ગતિવિધિઓ કરી છે
- આ ગતિવિધિઓથી ભારત-અમેરિકાના પડકારોમાં વધારો થયો છે
નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લદ્દાખ વિસ્તારમાં તણાવ ભલે ઓછો થયો હોય પરંતુ હજુ પણ ચીન તેની કેટલીક હરકતો દોહરાવી રહ્યું હોય તેવી આશંકા છે ત્યારે અમેરિકા અત્યારે લદાખ વિસ્તારમાં ચીનની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે. વિદેશમંત્રી એસ. જયશંકર અત્યારે અમેરિકાના પ્રવાસે છે અને વોશિંગ્ટનમાં અમેરિકાના વિદેશમંત્રી સાથે ચર્ચા બાદ આ નિષ્કર્ષ આવ્યો છે.
આપને જણાવી દઇએ કે અમેરિકામાં નવા સરકારના ગઠન બાદ ભારત તરફથી સત્તાવાર પ્રવાસ પર જનારા એસ. જયશંકર પ્રથમ કેબિનેટ મંત્રી છે. એસ. જયશંકરે અમેરિકાના તેમના સમકક્ષ એન્ટની બ્લિન્કન સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
આ બેઠક બાદ અમેરિકાના વિદેશ મંત્રાલયના દક્ષિણ-મધ્ય એશિયાન બાબતોના ઉપસચિવ ડીન થોમ્પસને કહ્યું હતું કે, ભારત-ચીન સરહદ પર ચીનની ગતિવિધિઓ અંગે આજની બેઠકમાં ચર્ચા થઇ છે. જો કે આ બેઠક વિશે વધુ માહિતી નહીં જાહેર કરી શકાય પરંતુ હાલની સ્થિતિ પર અમેરિકાની સંપૂર્ણ નજર છે.
અમે આશા રાખીએ છીએ કે શાંતિપૂર્ણ રીતે આ વિવાદનો ઉકેલ આવે તેવો આશાવાદ ડીન થોમ્પસને વ્યક્ત કર્યો હતો. આ વિસ્તારમાં ચીનના મુશ્કેલીનું સર્જન કરનારા પગલાંઓ ભારત-અમેરિકા બન્ને માટે પડકાર કહી શકાય અને તેના ઉકેલ માટે બંને દેશો સંયુક્તપણે એક જ દિશામાં મંથન કરી રહ્યા છે.