ઈન્કમ ટેક્સ નવું પોર્ટલ લોન્ચ કરશે, મોબાઈલથી ઉપયોગ થઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે
- 7 જૂને Income Tax નવું પોર્ટલ લોન્ચ કરશે
- મોબાઈલથી ઉપયોગની વ્યવસ્થા ઉભી કરાશે
- ટેક્સ ભરનારા લોકોને રાહત થશે
દિલ્લી: દેશમાં ઈન્કમ ટેક્સ ભરનારા લોકો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. દેશના નાણા મંત્રાલય દ્વારા હાલમાં જ જાહેરાત કરવામાં આવી છે કે ઈન્કમ ટેક્સ ભરનારા લોકો માટે નવું ઇન્કમટેક્સ પોર્ટલ શરૂ કરવામાં આવશે. આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટેનું એક નવું પોર્ટલ 7 જૂનથી ઇ-ફાઇલિંગ 2.0 શરૂ કરાશે. નવા પોર્ટલનો હેતુ કરદાતાઓ માટે સુવિધા વધારવાનો છે.
જોકે જવા પોર્ટલમાં માઈગ્રેશન સહિતના કારણોસર હાલનું પોર્ટલ 1 થી 6 જૂન દરમિયાન ઉપલબ્ધ રહેશે નહીં આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર મોબાઇલ દ્વારા તેનો ઉપયોગ ખુબ સરળ બનશે. પહેલેથી ભરેલા આવકવેરાની વિગતો, આઈટીઆર આવકવેરા ફોર્મ સહિતની સુવિધાઓનો ઉપયોગ કરવો સરળ બનશે.
વિભાગે એક ટ્વિટમાં જણાવ્યું છે કે, ‘આવકવેરા વિભાગ 7 જૂન, 2021ના રોજ એક નવું ઇ-ફાઇલિંગ પોર્ટલ http://incometax.gov.in શરૂ કરશે.
આ પોર્ટલ વર્તમાન http://incometaxindiaefiling.gov.in ને બદલશે.’
આવકવેરા વિભાગે તે પણ કહ્યું છે કે આ નવા પોર્ટલ પર એક નવી મોબાઇલ એપ્લિકેશન પણ હશે, જેના પર પોર્ટલ યુઝર મેન્યુઅલ અને વીડીયો ક્લિપ્સ દ્વારા દરેક પગલા કરદાતાઓને સુલભ રહશે.
આવકવેરા વિભાગે જણાવ્યું છે કે નવું પોર્ટલ રજૂ થાય તે પહેલાં 1 થી 6 જૂન સુધી ઇ-ફાઇલિંગ સેવાઓ ઉપલબ્ધ થશે નહીં. વિભાગે કરદાતાઓને સલાહ આપી છે કે જો જવાબ અથવા સેવાની જરૂર હોય તો ૭ જૂન પછી અરજી કરવી.