ભાવનગર: અમદાવાદ,ભાવનગર અને બોટાદના ત્રિભેટે આવેલા ભાલ વિસ્તારમાં ચોમાસા દરમિયાન અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ભાવનગર અમદાવાદ ટૂંકા માર્ગ પરના ખારા પાટ ગણાતા ભાલ પંથકમાં ચોમાસુ દર વર્ષે આફત લઈને આવે છે, ઉપરવાસના અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદની સૌથી વધુ અસર ભાલ પંથકના વિસ્તારોમાં જોવા મળે છે, જ્યારે કાળુભાર ડેમના પાણી પણ આ વિસ્તારની તારાજીનું કારણ બને છે કારણ કે ડેમ ભરાઈ ગયા બાદ ડેમના દરવાજા ખુલતા કાળુભાર નદીમાં પુર જેવી સ્થિતિ સર્જાય છે અને આગળ વધી રહેલા પાણી દરિયા સુધી પહોંચે એ પહેલા પાણી ભાલ પંથકમાં પથરાઈ જાય છે, મુખ્ય વાત એ છે કે પાણીના મુખ્ય માર્ગો વચ્ચે મીઠાના અગરો માટે દરિયાઈ ક્રીક દબાવીને બનાવવામાં આવેલા પાળા પાણીના નિકાલ માટે અવરોધ બને છે. ત્યારે અગરના પાળાઓ દુર કરવાની કારગીરી હાથ ધરવામાં આવી છે.
ચોમાસુ હવે ગુજરાત પર દસ્તક દઈ રહ્યું છે ત્યારે ભાલ પંથકમાંથી પસાર થઈ રહેલી તમામ નદીઓ અને દરિયાઈ ક્રીકમાં જ્યાં પણ જે વિસ્તારોમાં પાણીના નિકાલ માટે મીઠાના અગરો માટે બનાવવામાં આવેલા પાળાઓ અવરોધ બની રહ્યા છે ત્યાંથી જેસીબી મશીનો લગાવી પાળા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, દબાણમાં આવતી દરિયાઈ ક્રીકમાં જ્યાંથી પાણી રોકાય છે ત્યાંથી દરિયા સુધીના વિસ્તારમાં 5 કિમી લાંબી અને 4 ફૂટ ઉંડી ક્રીક તૈયાર કરવામાં આવી છે જેથી હવે ભાલ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાનો હલ થઇ જશે.
ગત વર્ષે પણ અગાઉના વર્ષો જેવી જ હાલત થવા પામી હતી, ઉપરવાસમાં પડેલા સતત ભારે વરસાદના કારણે ભાલ પંથકના અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા હતા અને અનેક દિવસો સુધી પાળીયાદ, દેવળીયા અને રાજગઢ સહિતના ગામો સંપર્ક વિહોણા બની ગયા હતા અને આ તમામ ગામોનું જનજીવન ખોરવાઈ ગયું હતું, ભાલ પંથકના 20 થી વધુ ગામો બેટમાં ફેરવાય જાય છે. જેથી અગમચેતીના ભાગરૂપે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા અને જિલ્લા વિકાસ અધિકારી વરુણ બરનવાલ દ્વારા ભાલ પંથક માટે આગોતરા આયોજન હાથ ધરવામાં આવ્યા હતા, અને અગરોના નડતરરૂપ પાળાઓ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.