- સરકારના નવા આઇટી નિયમોની સામે પડ્યું ગૂગલ
- ડિજીટલ મીડિયા માટેના નવા આઇટી સંબંધી નિયમો એના સર્ચ એન્જિનને લાગૂ પડતા નથી
- દિલ્હી હાઇકોર્ટમાં ગૂગલ એલએલસી લિમિટેડે આ રજૂઆત કરી હતી
નવી દિલ્હી: ભારતના આઇટી મંત્રાલયે અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે નવા IT નિયમો જાહેર કર્યા છે. જો કે ગૂગલ એલએલસી (લિમિટેડ લાયેબિલિટી કંપની) એ દિલ્હી હાઇકોર્ટમાં જણાવ્યું છે કે, ડિજીટલ મીડિયા માટેના નવા આઇટી સંબંધી નિયમો એના સર્ચ એન્જિનને લાગૂ પડતા નથી. એણે બુધવારે ઇન્ટરનેટ પરથી વાંધાજનક સામગ્રી દૂર કરવા સંબંધી મુદ્દો હાથ પર લેતા, કંપનીને ઉપરોક્ત નિયમો લાગૂ પાડતા સિંગલ જજના આદેશને બાજુએ મૂકવા માટે દિલ્હી હાઇકોર્ટને વિનંતી કરી હતી.
વાત એમ છે કે, કેટલાક તત્વોએ પોર્નોગ્રાફિક વેબ પર મહિલાના ફોટો અપલોડ કર્યા અને અદાલતી આદેશ બાદ પણ વર્લ્ડવાઇડવેબ પરથી સંપૂર્ણપણે આ ફોટો દૂર કરી શકાયા નહીં તેમજ વાંધાજનક સામગ્રીને અન્ય સાઇટને રિ-પોસ્ટ કરવાનું ચાલું રાખ્યું. આ સંબંધી કેસ કોર્ટમાં ચાલી જતા જજનો ઉપરોક્ત ચુકાદો આવ્યો હતો.
મુખ્ય ન્યાયમૂર્તિ ડી.એન.પટેલ અને ન્યાયમૂર્તિ જ્યોતિ સિંઘની બેન્ચે કેન્દ્ર, દિલ્હી સરકાર, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા, ફેસબૂક, પોર્નોગ્રાફિક સાઇટ, તેમજ જેની અરજીના આધારે સિંગલ જ્જનો ચુકાદો આવ્યો એ મહિલાને નોટિસ આપીને ગૂગલની અરજી બાબત ૨૫ જુલાઇ સુધીમાં એમનો પ્રતિભાવ જાણવા માગ્યો છે.
કોર્ટે કહ્યું કે પોતે આ તબક્કે વચગાળાનો કોઇ હુક્મ કરશે નહિ. ગૂગલે જણાવ્યું કે સિંગલ જ્જે એમના ૨૦ એપ્રિલના ચુકાદામાં ગૂગલના સર્ચ એન્જિનને, નવા નિયમોની જોગવાઇ પ્રમાણે સોશ્યલ મીડિયા ઇન્ટરમીડિઅરી અથવા સિગ્નિફિકન્ટ સોશ્યલ મીડિયા ઇન્ટરમીડિઅરી તરીકે ગણીને સર્ચ એન્જિનને મિસ્કેરેકટરાઇઝડ કર્યું છે.
મહત્વનું છે કે, સિંગલ જજે નવા નિયમો, 2021નું ખોટું અર્થઘટન કર્યું અને અપીલ કરનારના સર્ચ એન્જિનને એ નિયમો ખોટી રીતે લાગૂ પાડ્યા.