વડોદરામાં વિશ્વામિત્રી નદીને ચોખ્ખી કરવા12 વર્ષમાં 20 કરોડ ખર્ચાયા છતાં નદી સ્વચ્છ ન થઈ
વડોદરાઃ પ્રદુષિત નદીઓને સ્વચ્છ બનાવવા માટે સરકાર દ્વારા કોરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે. છેલ્લા 12 વર્ષમાં વિશ્વામિત્રી નદીને ચોખ્ખી રાખવાના નામે વડોદરા મ્યુનિ.કોર્પોરેશને રૂપિયા 20 થી 25 કરોડનો ખર્ચો કરી નાંખ્યો છે અને સાત વર્ષ અગાઉ 17 કિલોમીટર ના સર્વે માટે પાલિકાએ સવા કરોડ રૂપિયા જેવી તગડી રકમ પણ એજન્સીને ચૂકવી હતી ત્યારે 178 કિલોમીટરના સર્વે માટે 5 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ થવાની શકયતા છે.
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના હુકમ બાદ શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીનો સેટેલાઈટ ડિજિટલ સર્વે કરવામાં આવશે. ત્યારે ફરી એક વખત મ્યુનિ.કોર્પોરેશનને વિશ્વામિત્રી નદીને પુનર્જીવિત કરવાનું ભૂત ધૂણ્યું છે. શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સુંદરતા વધે અને તેના શુદ્ધિકરણ માટે અગાઉ પૂર્વ મેયર અને સાંસદ બાળુ શુક્લ દ્વારા પ્રોજેક્ટ તૈયાર થયો હતો. જેના ભાગરૂપે વિશ્વામિત્રી નદીમાં બંને બાજુ માટીના પાળા બનાવવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરાયો હતો પણ ત્યારબાદ ચોમાસા સમયે પાળા ધોવાઈ ગયા હતા. ત્યારબાદ કલ્યાણ નગર ઝુપડપટ્ટીનો વિવાદ પણ સર્જાયો હતો અને તેઓને ત્યાં જ પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવીને આવાસ ફાળવવાની શરૂઆત કરાશે.
નદી પાછળ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દસ વર્ષમાં અંદાજે રૂપિયા 20 થી 25 કરોડનો ખર્ચો કરી નાખ્યો છે, છતાં પણ વિશ્વામિત્રીની પરિસ્થિતિ જૈસે થે રહી છે.એટલું જ નહીં, 1200 કરોડ રૂ.ના પ્રોજેકટની બ્લ્યુ પ્રિન્ટ બનાવાઈ હતી. વિશ્વામિત્રી નદી અંગે અનેકવાર સર્વે કરવામાં આવ્યા હતા પરંતુ તે સર્વે એક પછી એક અભરાઈ પર ચડાવી દેવામાં આવ્યા છે ત્યારે છેલ્લે રાજ્ય સરકારે પાવાગઢથી લઈને પીન્ગલવાડા સુધીનો સર્વે કરી વિશ્વામિત્રી નદીને પુનર્જીવિત કરવા નિર્ણય કર્યો હતો. આ દરમિયાન નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો હુકમ આવતા તેના આધારે ફરી એકવાર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મેપિંગ અને ગેરકાયદે બાંધકામનો સર્વે કરવા નિર્ણય લેવાયો છે અને પ્રથમ વખત પાવગઢથી ખંભાતના અખાત સુધીના પટ નો ડિજિટલ સર્વે કરવામાં આવશે.