ભાવનગર: કોરોનાને લીધે અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગને ફટકો પડ્યો છે. જિલ્લામાં બીજા કોઈ મોટા ઉદ્યોગ-ધંધા નથી ત્યારે અલંગનો શિપ બ્રેકિંગ અને તેના સંલગ્ન સ્ક્રેપ ઉદ્યોગને લીધે અનેક લોકોને રોજગારી મળી રહી છે. હાલ કોરોનાના કેમોમાં ઘટાડો થતા ફરીવાર અલંગ ઉદ્યોગમાં ઘીમી ગતિએ કામકાજ ચાલું થયું છે. જિલ્લામાં અલંગમાં શિપબ્રેકિંગ અને રોલિંગ મિલોને કારણે દેશભરના સ્ટીલ ઉદ્યોગમાં ભાવનગરની આગવી ઓળખ ઉભી થઇ છે. હવે આમાં વધુ એક મોરપીંછનો ઉમેરો થવા જઈ રહ્યો છે, જેમાં કેન્દ્ર સરકારે વેહિકલ સ્ક્રેપ યાર્ડની સ્થાપના માટે ભાવનગર જિલ્લાની પસંદગી કરવા આગેકૂચ કરી છે, જેમાં તારીખો વટાવી ચૂકેલા વાહનોને સ્ક્રેપ યાર્ડમાં મોકલવા સરકારે નિયમો બનાવ્યા છે, સાથે વય મર્યાદા વટાવી ચૂકેલા વાહનો અંગે કેન્દ્ર સરકારે વિચારણા કરી છે.
ભાવનગર જિલ્લામાં વ્હિકલ સ્ક્રેપ યાર્ડ બનાવવા આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં અલંગની નજીકના વિસ્તારમાં વ્હીકલ સ્ક્રેપ યાર્ડ બનાવવામાં આવે એવી પૂરી શક્યતાઓ જોવાઈ રહી છે. અને એ માટે સ્ક્રેપ સાથે સંકળાયેલા ધંધાર્થીઓ સાથે વાતચીત શરૂ કરી દેવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષ માંજ નવું વ્હિકલ સ્ક્રેપ યાર્ડ ધમધમતું કરવા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વ્હિકલ સ્ક્રેપ યાર્ડ બનાવવા સાથે તેમાં સાધનોની જરૂરિયાત, કેટલો ખર્ચ થઈ શકે, તેનું ભવિષ્ય કેવું હશે, તેમાંથી નિકળતા અલગ અલગ પ્રકારના સ્ક્રેપ, કઈ રીતે વેચાણ કરવું, ટ્રાન્સપોર્ટ સુવિધા, વાહનો તોડતા સમયે તેમાંથી નિકળતા પ્રદૂષણ ફેલાય તેવા કચરાનો નિકાલ, અલંગમાં કાર્યરત ટીએસડીએફ સાઇટ પર કેવા પ્રકારના કચરાને મોકલી શકાય અને તેનો કેટલો ખર્ચ લાગે વગેરે બાબતે ગંભીર વિચારણા કરવામાં આવી રહી છે,
ભાવનગર પાસે અલંગ ખાતે શિપ રિસાયક્લિંગ યાર્ડ વિશ્વમાં અગ્રીમ સ્થાન ધરાવે છે, સ્ટીલ ઉદ્યોગ ક્ષેત્રે ભાવનગરની રી-રોલિંગ મિલો દેશમાં આગવો હિસ્સો ધરાવે છે. જહાજ ભાંગવા દરમિયાન નિકળતા કચરાના નિકાલ માટે અત્યાધુનિક પ્લાન્ટ કાર્યરત છે, ટ્રાન્સપોર્ટ, રસ્તા, પાણી, વિજળી જેવી પર્યાપ્ત વ્યવસ્થા મોજૂદ છે. તેમજ સ્ક્રેપ યાર્ડમાંથી નિકળતો ભંગાર રી-રોલિંગ મિલોમાં ઉપયોગમાં લઇ શકાય છે, અલંગ શિપ રિસાયક્લિંગ યાર્ડમાં પ્રદૂષિત કચરો, વેસ્ટ ઓઇલ વગેરે ના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કાર્યરત છે, જ્યારે અન્ય પ્રકાર ના સ્ક્રેપ માટે ગુજરાત ના કડી, કલોલ, જામનગરમાં આવેલા ઉદ્યોગોમાં મોકલી શકાય છે, ઉપરાંત જિલ્લામાં નવી રોજગારીની તકો માર્ગ મોકળો બનશે. આમ દરેક રીતે ભાવનગર જિલ્લામાં સ્ક્રેપ યાર્ડ બને તો તમામ રીતે યોગ્ય સાબિત થઈ શકે છે.