અમદાવાદઃ ગુજરાત રાજભવન દ્વારા શરૂ કરાયેલા “કોરોના સેવાયજ્ઞ” અંતર્ગત એક લાખ પાયાના કોરોના વોરિયર્સને રાશન અને જીવનજરૂરી ચીજવસ્તુઓની કીટ પહોંચાડવાના જન અભિયાનમાં આજે ત્રીજા ચરણમાં 26,100 કીટના જથ્થાને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઝંડી ફરકાવી રાજભવન ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું.
રાજ્યપાલએ જણાવ્યું હતું કે, અન્યના કલ્યાણમાં જ પોતાનું હિત માનનારા લોકો જ ખરા અર્થમાં મહાન છે, અને અન્ય લોકોને જનસેવા માટે પ્રેરિત કરવાના પ્રેરણાસ્ત્રોત સમાન છે. રાજ્યપાલએ કોરોના મહામારીના સામના માટેની ગુજરાત સરકાર અને પ્રશાસને ઉઠાવેલી જહેમતને કારણે પરિસ્થિતિને નિયંત્રણમાં લાવી શક્યા છીએ તેમ જણાવી સરકાર અને વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ તકે “કોરોના હારશે-ભારત જીતશે”ના સંકલ્પ સાથે ગુજરાતે કોરોના મહામારીના સામના માટે પરીણામલક્ષી પુરુષાર્થ કર્યો છે, તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ મહામારીના સમયમાં રાજ્યપાલશ્રીએ શરૂ કરેલા “કોરોના સેવાયજ્ઞ” બદલ રાજ્યની પ્રજાવતી આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કોરોના જેવી મહામારીના સામના માટે સરકારના પુરુષાર્થ અને સમાજના સહયોગ દ્વારા ગુજરાતે ભગીરથ કાર્ય કર્યું છે, ત્યારે આ મહામારીના મુકાબલા માટે સંપૂર્ણ વેકસીનેશન અત્યંત આવશ્યક છે અને ગુજરાતે વેકસીનેશન માટે શ્રેષ્ઠ વ્યવસ્થા ઊભી કરી છે.
આપત્તિના સમયમાં પણ ઓછામાં ઓછું સહન કરવું પડે તેવા અભિગમને કારણે જ તાજેતરના વાવાઝોડાની સ્થિતિમાં ગુજરાતમાં કોઈપણ હોસ્પિટલના વ્યવસ્થાતંત્રને કે ઑક્સીજનના સપ્લાયને ક્યાંય પણ ખલેલ પહોંચી નથી. તે અંગેની સરકારે સતત કાળજી લીધી હતી. મુખ્યમંત્રીએ દિવસ-રાત દર્દીઓની સેવા કરતા કોરોના વોરિયર્સને ઈશ્વરે સેવાનો અવસર આપ્યો છે ત્યારે સરકાર અને સમાજ પણ તેમની સાથે છે, તેની પ્રતીતિ આવા સેવાકાર્યોથી થાય છે, તેમ પણ જણાવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કોરોના મહામારીના સામના માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં સંવેદનશીલ સરકારે પરિણામલક્ષી કામગીરી કરી હોવાનું જણાવ્યું હતું.