- RBIએ આ વખતે પણ રેપો રેટ યથાવત્ રાખ્યો
- રેપો રેટ 4 ટકા પર અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર યથાવત્
- આર્થિક સુધારા માટે નીતિગત દરોમાં ફેરફાર નથી કરવામાં આવ્યા: RBI ગવર્નર
નવી દિલ્હી: RBIની મોનેટરી પોલિસી કમિટીની બેઠક બાદ RBI ગવર્નર શક્તિકાંત દાસે મોનિટરી પોલિસીની જાહેરાત કરી છે. આ વખતે પણ રેપો રેટ યથાવત્ રાખવામાં આવ્યા છે. રેપો રેટ 4 ટકા પર અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર યથાવત્ રાખવામાં આવ્યા છે. ગવર્નર દાસે કહ્યું હતું કે, આર્થિક સુધારા માટે નીતિગત દરોમાં ફેરફાર નથી કરવામાં આવ્યા અને જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી જ આ દરો રાખવામાં આવશે.
RBI ગવર્નર શક્તિકાંત દાસે અર્થતંત્રને લઇને કેટલાક સેક્ટરોના આશાનું કિરણ પણ ગણાવ્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય ચોમાસાનું અનુમાન, કૃષિ ક્ષેત્રની ક્ષમતા અને ગ્લોબલ રિકવરીના કારણે આર્થિક ગતિવિધિઓમાં પણ તેજી આવવાની આશા છે.
શક્તિકાંત દાસે કહ્યું કે, નાણાકીય વર્ષ 2021-22 માટે વાસ્તવિક અનુમાન 9.5 ટકા રાખવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વૃદ્ધિના અનુમાનને 10.5 ટકાથી ઘટાડીને 9.5 ટકા કરી દીધું છે. નાણાકીય વર્ષ 2021-22 માટે સીપીઇઆઇ ઇન્ફેલશનનું અનુમાન 5.1 ટકા કરવામાં આવ્યું છે.
આરબીઆઇ ગવર્નરે ઉમેર્યું હતું કે, કોરોનાની બીજી લહેરને કારણે અનેક પ્રતિબંધ લાગુ છે. પરંતુ પહેલી લહેરની તુલનામાં આ વખતે આર્થિક ગતિવિધિઓ એટલી પ્રભાવિત નથી થઈ. લોકો અને બિઝનેસ મહામારીમાં કામ કરવાની પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે આવનારા મહિનાઓમાં વેક્સીનેશનની પ્રક્રિયા વધુ વેગવંતી બનશે.