ગાંધીધામ : ચાના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજું અને નિકાસના ક્ષેત્રે ચોથું સ્થાન ધરાવે છે. દુનિયાભરમાં ભારતીય ચાની ઊંચી છાપ અને નામના છે. છેલ્લા કેટલાક વર્ષથી ઇરાન અને તેની આસપાસના અનેક દેશ પણ ભારતીય ચા ખરીદી રહ્યા છે. ઇરાન તથા ખાડી દેશોમાં ચાની નિકાસમાં વધારો થાય તે હેતુથી દીનદયાળ મહાબંદરે ટી પાર્ક સ્થાપવાની ટી ફોરમ ઓફ ઈન્ડિયાએ વડાપ્રધાનને પત્ર લખીને માગણી કરી છે.
ટી ફોરમ ઓફ ઇન્ડિયા તથા ટી બોર્ડ ઓફ ઇન્ડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર પાઠવી દીનદયાળ (કંડલા) બંદરેથી ચાની નિકાસ અર્થે એક `ટી પાર્ક’ સ્થાપવાની હિમાયત કરી છે. દુનિયાભરમાં ભારતીય ચાની ઊંચી છાપ અને નામના છે. છેલ્લા કેટલાક વર્ષથી ઇરાન અને તેની આસપાસના અનેક દેશ પણ ભારતીય ચા ખરીદી રહ્યા છે. ઇરાન તથા ખાડી દેશોમાં ચાની નિકાસમાં વધારો થાય તે હેતુથી દીનદયાળ મહાબંદરે ટી પાર્ક સ્થાપવાની રજુઆત વડાપ્રધાનને પત્ર લખીને કરવામાં આવી છે.
વડાપ્રધાન ઉપરાંત રેલવે અને વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ, શિપિંગપ્રધાન મનસુખ માંડવિયા તથા ટી બોર્ડ ઇન્ડિયાને ઇ-મેઇલથી પત્ર મોકલીને રજુઆત કરી છે. કે, કંડલા મહાબંદરથી ઇરાનના વોટર માઇલેજ 1120 મીટર છે, જ્યારે કોલકાતાથી ઇરાનના વોટર માઇલેજ 3300 થાય છે. દરિયાઇ માર્ગે જો કંડલાથી ઇરાન ચા મોકલવામાં આવે તો તે ચારથી પાંચ દિવસમાં પહોંચી જાય. જ્યારે કોલકાતાથી માલ પહોંચતાં 25થી 30 દિવસ થઇ જાય છે. કારણ કે કોલકાતાથી દરિયાઇ માર્ગે ઇરાન જવું હોય તો જહાજોને ઠેઠ શ્રીલંકાની પાછળથી નીકળવું પડે છે.વળી કોલકાતા બંદર ખાતે ભારે ટ્રાફિક, શ્રમિકોના પ્રશ્ન વગેરે જેવા કારણોને લઇને દિવસો સુધી કન્ટેનરો પણ નથી મળતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પહેલાં ભારત સરકારે કોલકાતા પોર્ટ ખાતે ટી પાર્ક સ્થાપવાની વિધિવત મંજૂરી આપી હતી, પરંતુ સ્થાનિક પ્રશાસનના અસહકારથી ટેન્ડર બહાર પડયા પછી આગળ કોઇ કાર્યવાહી નથી થઇ. ત્યારે કંડલા બંદરે ટી પાર્કની સ્થાપના કરવામાં આવે તો ચા ના નિકાસકારને ફાયદો થઈ શકે તેમ છે.