રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો રન-વે નદી પર બનાવાશેઃ વાહનો માટે ફલાઈઓવર બ્રીજ પણ તૈયાર કરાશે
રાજકોટઃ શહેર નજીક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવાનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે. રાજકોટ અને ચોટીલા તાલુકાની બાઉન્ડ્રી પર આવેલા હિરાસર ગામ નજીક નિર્માણ પામી રહેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ગ્રીન ફિલ્ડ એરપોર્ટનો રન-વે બનવાનો છે તે અહીંથી પસાર થતી નદી પર બનાવવામાં આવી રહ્યો છે. આ અંગેની ચર્ચા દિલ્હીથી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અને સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટના સત્તાવાળાઓ સાથેની વાતચીત દરમિયાન કરવામાં આવી છે. આ પ્રકારનો રનવે અને એરપોર્ટ કદાચ સમગ્ર દેશમાં પ્રથમ હશે.
સૂત્રોના જણાવ્યા મુજબ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના રાજકોટ ખાતેના સત્તાવાળાઓ અને સિંચાઈ વિભાગના ટોચના અધિકારીઓએ તૈયાર કરેલી ડિઝાઇન મુજબ નદીનું વહેણ ક્યાંથી પસાર થઈ રહ્યું છે તેની ઉપર બોકસ કલવર્ટ પદ્ધતિથી કામકાજ થઈ રહ્યું છે અને જ્યારે તે પૂરૂ થશે અને એરપોર્ટ કાર્યરત થશે ત્યારે આ સ્થળે નદીના વહેણ પર બનાવેલા રન-વે પર વિમાનોની આવન જાવન થતી જોવા મળશે.
આ બાબતે અધિક કલેકટરે જણાવ્યું હતું કે, નદીના વહેણ પર બોકસ કલવર્ટ નાખીને રનવે બનાવવાના પ્રોજેકટને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. દિલ્હીથી સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટના સેક્રેટરીએ વીડિયો કોન્ફરન્સથી રાજકોટ અને ઢોલેરા એરપોર્ટના પ્રગતિ રીપોર્ટની સમીક્ષા કરી હતી. ગુજરાત સરકારના સેક્રેટરી મમતા વર્મા ગાંધીનગરથી અને રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન રાજકોટથી તેમાં જોડાયા હતા.
મિટિંગમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, બે ચેકડેમ દૂર કરવાના થાય છે તે પૈકી મોટાભાગનું કામ પૂરૂ થઇ ગયું છે. એરપોર્ટની સાઈટ પર બે કાચા મકાન અને એક પાણીની ટાંકી છે તે આગામી તા.11ના તોડી પાડવામાં આવશે. આ ઉપરાંત ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટે રૂ.70 કરોડના ખર્ચે બનનાર ફ્લાયઓવર બ્રીજની ડીઝાઈન મંજુર કરવામાં આવી છે તે અનુસાર આ એરપોર્ટ પર અમદાવાદ અને રાજકોટ એમ બંન્ને સાઈડથી પ્રવેશ મળે તે પ્રકારના ફ્લાય ઓવર બ્રીજનું નિર્માણ કરવાનું આયોજન કરાયું છે.