આંતરમાળખાકીય સુવિધા થકી કોરોના સામે નાગરિકોને રક્ષણ આપવાની મુખ્યમંત્રીએ વ્યક્ત કરી નેમ
અમદાવાદઃ રાજકોટ સ્થિત રોટરી મીડટાઉન લલિતાલય ડાયાબિટીસ પ્રિવેન્શન અને લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ સેન્ટરનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. તેમજ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં પાંચમી જૂન ના રોજ ઉજવવામાં આવતા ‘‘વિશ્વ પર્યાવરણ દિન’’ નિમિત્તે પર્યાવરણની સુરક્ષા સાથે પ્રદૂષણમુક્ત ગુજરાતનાં નિર્માણ માટે રાજ્ય સરકાર સંપૂર્ણતયા સંકલ્પબધ્ધ છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, હાલના કોરોના કાળમાં કોવિડ સેન્ટરોમાં આજના દિવસે કોરોના વોરિયર્સ તરીકે કાર્યરત નર્સ હેલ્થ વર્કર તથા પાસે વૃક્ષારોપણ કરાવીને રાજ્ય સરકારે આ બાબતની પ્રતિબદ્ધતાનો પુરાવો પૂરો પાડ્યો છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે રાજ્યના નાગરિકોને રક્ષણ પૂરું પાડવા માટે રાજ્ય સરકાર દૂરંદેશી આયોજન અને આંતરમાળખાકીય સુવિધા સાથે આગળ વધી રહી છે.
કોરોનાના ડાયાબિટીસવાળા દર્દીઓમાં જોવા મળતી મ્યુકર માઈકોસીસના ઉપદ્રવને નાથવા માટે રાજકોટ શહેરમાં કરાયેલી જિલ્લા વહીવટીતંત્ર તથા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય લક્ષી કામગીરીને મુખ્યમંત્રીએ બિરદાવી હતી. રોટરી મિડટાઉન ક્લબ એ સમર્પિત અને સેવાભાવી લોકોનું સંગઠન છે, તેમ જણાવતાં મુખ્યમંત્રીએ તમામ પ્રકારની કુદરતી આપત્તિઓમાં રોટરી ક્લબે બજાવેલી સમાજસેવાની મિશાલને અન્યો માટે પ્રેરણારૂપ જણાવી આ સંસ્થાને રાજકોટનું ગૌરવ ગણાવ્યું હતું.