અમદાવાદઃ શહેરમાં ગ્રીન કવર વધારવા ઘણા વર્ષોછી પ્રયાસો કરવામાં આવે છે. શહેરમાં થોડાક સમયમાં અનેક બહુમાળી ઈમારતો ઊભી થઈ ગઈ છે, શહેરમાં ટ્રાફિક પણ વધી રહ્યો છે. શહેરમાં કોંક્રેટના જંગલ સમા બિલ્ડિંગો બની ગયા છે. જ્યારે બીજીબાજુ વિકાસના નામે અનેક ઘટાટોપ વૃક્ષોનું નિકંદન નિકળી ગયું છે. શહેરમાં કેટલા વૃક્ષો છે, તેની તંત્રને ખબર નથી પણ શહેરના ગ્રીન કવરમાં વધારો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તંત્રના કહેવા મુજબ એક દશકમાં શહેરના ગ્રીન કવર એરિયામાં 117 ટકાનો વધારો જોવા મળ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બાગ-બગીચા વિભાગ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, વર્ષ 2012માં અમદાવાદ શહેરનો ગ્રીન કવર વિસ્તાર 4.66 ટકા હતો જે 2021માં વધીને 10.13 ટકા થયો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, 2012માં રાજ્ય સરકાર દ્વારા કુલ વૃક્ષોની સંખ્યા જાહેર કરવામાં આવી હતી. તે સમયે શહેરમાં 6.18 લાખ વૃક્ષો હતા, જે શહેરના કુલ વિસ્તારના 4.66 ટકા હતા.
અમદાવાદ મ્યુનિ,કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ 2012ની સરખામણીમાં 2021માં શહેરની હરિયાળી 4.66 ટકાથી વધીને 10 ટકા થઈ ગઈ છે. વર્તમાનમાં શહેરમાં 42 શહેરી જંગલો છે અને 2021-22માં તેમાં 10નો વધારો કરવાની યોજના છે. પાછલા વર્ષમાં એએમસી દ્વારા 10.13 લાખ વૃક્ષો રોપવામાં આવ્યા હતા અને 2021-22માં વધારે 13.40 લાખ છોડ રોપવાની યોજના છે. બાગ-બગીચા વિભાગના અધ્યક્ષ જિગ્નેશ પટેલ જણાવે છે કે, ગ્રીન કવરમાં વધારો કરવાના પ્રયત્નો કરતા વિવિધ એનજીઓના રિપોર્ટ અનુસાર, શહેરનો ગ્રીન કવર વિસ્તાર તેના કુલ વિસ્તારના 10.13 ટકા છે. એએમસી દ્વારા રોપવામાં આવેલા નવા વૃક્ષો તેમજ કાપવામાં આવેલા અથવા ધરાશયી થયેલા વૃક્ષોની સંખ્યા પરથી અંદાજો લગાવવામાં આવે તો અત્યારે શહેરમાં 14 લાખથી વધારે વૃક્ષો છે. શહેરમાં 42 શહેરી વન વિસ્તાર છે. તેમની પ્લોટ સાઈઝ 3000થી 11,000 ચો.મી. સુધીની છે. શહેરમાં વૃક્ષોમાં વધારો કરવા માટે કોર્પોરેશન દ્વારા વિવિધ એનજીઓની મદદ લેવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પહેલું એવું તંત્ર છે જ્યાં મિયાવાકી તકનીકનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં મૂળ જાતિઓના છોડને એકબીજાથી નજીક રોપવામાં આવે છે, જેમાં સૂર્યપ્રકાશ ઉપરથી મળે છે અને આ વૃક્ષ નીચે નહીં પણ ઉપરની તરફ વિસ્તરે છે. આ પદ્ધતિ અપનાવવાથી વૃક્ષારોપણ 30 ગણું વધારે ઘટ્ટ, 10 ગણું વધારે ઝડપી થાય છે. ઉલ્લેખનીય છે કે 2012ની વૃક્ષ ગણતરી પછી વન વિભાગ દ્વારા ગણતરી કરવામાં નથી આવી, માટે તંત્ર અત્યારે અંદાજિત આંકડો જણાવી રહ્યું છે.