ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોની માફક લઘુમતી શાળાઓમાં પણ હવેથી કેન્દ્રીયકૃત ભરતી કરાશે. 1લી જૂનના રોજ રાજ્ય સરકાર દ્વારા સુધારા સાથેનું વિધેયક પસાર થયાં બાદ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને બોર્ડે 3 જૂનના રોજ સત્તાવાર પરિપત્ર પણ પ્રસિદ્ધ કર્યો છે. જેથી લઘુમતી સમાજને થઇ રહેલા અન્યાયનો પણ અંત આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ઘણા સમયથી અમદાવાદ સહિત ગુજરાતની લઘુમતી શાળાઓમાં શિક્ષક ભરતી મામલે ટ્રસ્ટીઓ સહિત શાળા સંચાલકો પોતાની મનમાની કરી ભરતી માટે લાખો રૂપિયાની માંગણી કે સગા વાદ ચલાવી શિક્ષકોની ભરતી કરતા આવ્યા છે. જેની વારંવાર સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો, આગેવાનોને તેમજ ટ્રસ્ટીઓનું ધ્યાન દોરવામાં આવતું હોવા છતાં કોઈ જ નક્કર પગલાં લેવાતા નહોતા. વર્ષ 2001 પછી અમદાવાદની લઘુમતી સ્કૂલોમાં ફેમિલી ડીપાર્ટમેન્ટની ભરતીનો જન્મ થતો જોવા મળેલ છે, દરમિયાન જયારે પણ શાળાઓમાં ભરતી બહાર પડે એટલે પોતાના સગા વ્હાલાનું નામ મુકી મેરીટમાં હોંશિયાર અનુભવી ઉમેદવાર આગળ હોવા છતાં એને મૌખિક ઇન્ટરવ્યૂમાં ઓછા માર્ક આપી પોતાના અંગતનું સેટિંગ કરવામાં આવતું. ઉપરાંત ભરતી પ્રક્રિયા દરમિયાન મેરીટમાં જો બહારના યોગ્ય લોકો આગળ જણાય તો તેમની જોડે મૌખિક ઇન્ટરવ્યૂમાં લાખો રૂપિયાની માંગણી કરાતી હતી.આમ 15 – 20 વર્ષની નોકરી કાળનું વેતન ફક્ત સેટિંગમાં જતું હોવાથી અથવા મધ્યમ વર્ગનો હોંશિયાર ઉમેદવાર આખરે વીલા મોઢે પરત ફરતો અને પછી એની જ જગ્યાએ સ્કૂલના ટ્રસ્ટીઓ કે સંચાલકો પોતાના અગાઉથી ફિક્સ ઉમેદવારની વગર વિરોધે ભરતી કરતા હતા. જેના પરિણામે કેટલાય અન્યાય થયેલ ઉમેદવારો સહિત એમના પેરેન્ટ્સ એ સત્તાવાર રીતે વિરોધ પણ નોંધાવતા આવ્યા છે પરંતુ કોઈજ નક્કર પગલાં લેવામાં આવતા નહોતા.
રાજ્ય સરકારે કાયદો બનાવ્યા બાદ જારી કરેલા નોટિફિકેશન મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-1972ની કલમ 17(26)ના અમલમાંથી ઉક્ત સુધારા અગાઉ લઘુમતી સ્કૂલોને ભરતી બાબતે મુક્તિ મળેલી હતી જેનો લાભ સગાવાદ, લાયકાત વિનાના મળતીયા ઉમેદવારોનેં થતો તેમજ લાખો રૂપિયાના કૌભાંડ એ જન્મ લીધો હતો. રાજ્ય સરકારે કાયદાની કલમ 40-(ક)માં કરેલ સુધારા મુજબ વિધેયક પસાર બાદ કાયદાકીય પરિસ્થિતિમાં ફેરફાર થયો છે, જેના અંતર્ગત લઘુમતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કર્મચારીઓની નિમણુંકમાં રાજ્ય સરકારના ઠરાવેલ ધોરણો અને પદ્ધતિઓ લાગુ પાડેલ છે જેથી આવી શાળાઓમાં પણ અન્ય શાળાઓ માફક કેન્દ્રીયકૃત રીતે ભરતી કરવામાં આવશે. સતત 2 વર્ષના સંઘર્ષ બાદ વિધેયક પસાર થતા લઘુમતી સમાજે રાજ્ય સરકારનો આભાર માન્યો છે.