મુંબઈઃ મહારાષ્ટ્રના પૂણેમાં એક ફેકટરીમાં લાગેલી આગની ઘટનામાં મૃત્યુઆંક વધીને 18 ઉપર પહોંચ્યો છે. મૃતકોમાં 15 મહિલાઓનો સમાવેશ થતો હોવાનું જાણવા મળે છે. સરકારે મૃતકોના પરિવારજનોને 5-5 લાખની સહાયની જાહેરાત કરી છે. દરમિયાન પીએમ મોદીએ આ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનોને વળતર આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું, ‘મહારાષ્ટ્રના પુણેમાં એક ફેક્ટરીમાં આગ લાગવાથી લોકોના મોતથી હું દુખી છું. શોકગ્રસ્ત પરિવારોને સંવેદના. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારોને પીએમ રાહત ફંડમાંથી દરેકને 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. આ સાથે ઘાયલોને 50-50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પુણેમાં એક કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી હતી. જ્યારે આગ લાગી ત્યારે પ્લાસ્ટિકનું પેકિંગ ચાલુ હતું. કારખાનામાં હાજર લોકોને ધુમાડાના કારણે બચવાનો મોકો મળ્યો ન હતો. આ ફેક્ટરીમાં મોટાભાગની મહિલાઓ કામ કરે છે. પ્લાન્ટમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે જેસીબી જેવા સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ કેમિકલ ફેક્ટરીના જ્વલંતશીલ પર્દાથો સગળી ઉઠતા તમામ પ્રયાસો નાકામ નિવડ્યા હતાં. કેમિકલ ફેક્ટરીની આગના ઘટનામાં રેસ્ક્યુ ઓપરેશનમાં બહાર કાઢવામાં આવેલા મૃતદેહોને સસુન જનરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતાં.
નાયબ મુખ્યમંત્રી અને જીલ્લા પ્રભારીમંત્રી અજીત પવારએ મૃતકોના પરિવારને 5 લાખની સહાયની જાહેરાત કરી છે. જિલ્લા કલેક્ટર રાજેશ દેશમુખે તપાસ સમિતિની રચનાના આદેશો આપ્યા છે. પુનાના એસ.પી. અભિનવ દેશમુખે જણાવ્યું હતું કે અત્યારે આકસ્મીક મૃત્યુની નોંધ સાથે કેસ ફાઇલ કર્યો છે. કંપનીના અધિકારીઓને સાથે રાખી તપાસ શરૂ કરવામાં આવ્યું છે.