1. Home
  2. ગુજરાતી
  3. કચ્છની સરહદે જવાનોને બોરનું પાણી આરઓ કરીને પાઈપ લાઈનથી પીવા માટે અપાશે
કચ્છની સરહદે જવાનોને બોરનું પાણી આરઓ કરીને પાઈપ લાઈનથી પીવા માટે અપાશે

કચ્છની સરહદે જવાનોને બોરનું પાણી આરઓ કરીને પાઈપ લાઈનથી પીવા માટે અપાશે

0
Social Share

ભુજ : કચ્છના સરહદી વિસ્તારમાં તૈનાત સીમા સુરક્ષા દળની તરસ છીપાવવા માટે રાજ્ય સરકાર અને બીએસએફ દ્વારા ઉચ્ચકક્ષાની સમિક્ષા હાથ ધરાઇ છે. આ સંદર્ભમાં સીમાદળની અગ્રિમ ચોકીઓને પાઇપ દ્વારા પાણી પહોંચાડવાના આયોજન કરવામાં આવ્યું છે. આ સંદર્ભમાં આગામી દિવસોમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા બોરવેલના પાણીને આરઓ દ્વારા શુદ્ધ કરીને સીમા દળના જવાનોને પૂરું પાડવામાં આવશે.

ગુજરાત સરહદે તૈનાત સલામતી દળોની સુવિધા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહેતી હોય છે, પણ કચ્છની રણ સરહદે ધોમધખતા ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા વકરી જતી હોય છે. આવામાં છેક સરહદે ઊભી કરાયેલી ચોકીઓને પાઇપ લાઈન દ્વારા પાણી પહોંચાડવાની જરૂરત લાંબા સમયથી વર્તાઇ રહી છે. રણ સિવાયના સાગરકાંઠાની ચોકીઓ પર પાઇપ દ્વારા પાણી મળતું થયું છે, પણ રણમાં લાઇન અને પાણીના પુરવઠાનો પ્રશ્ન લાંબા સમયથી અંતરાયરૂપ બની રહ્યો છે. આ સંદર્ભમાં  સીમા દળના સેક્ટર વડામથકે પાણી પુરવઠા બોર્ડ ઉપરાંત કેન્દ્રના પીડબલ્યુડી વિભાગના અધિકારીઓની સાથે એક સમિક્ષા બેઠક યોજાઇ હતી.  ચોકીઓ પર તૈનાત જવાનોને પાઇપ વાટે પાણી મળે તે માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવા આ બેઠકમાં સમીક્ષા કરાઇ હતી.આ ઉપરાંત રણમાં ચાલતાં નવી ચોકીઓનાં બાંધકામ અને રસ્તાનાં કામોની પણ બેઠકમાં સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. આ બેઠકમાં હાજર રહેલા પાણી પુરવઠા બોર્ડના મુખ્ય ઇજનેર અશોક વનરાએ સીમા દળની ચોકીઓ માટે આગામી દિવસોમાં હાથ ધરાનારી યોજનાની વિગતો આપી હતી.’

તેમણે કહ્યું હતું કે, ચોકીઓ ઉપર પાણીની તકલીફ છે એ વાત સાચી છે, પરંતુ દૂર-દૂર સુધીની આ બીઓપી હોવાથી પાઇપ લાઇન વાટે પાણી પહોંચાડવું શક્ય એટલા માટે નથી કે મરાંમત કામ અઘરું છે. એટલે તો ત્યાં શકુર લેક પાસે બોર બનાવ્યા છે અને ભૂગર્ભજળ ભલે ખારાં છે, પરંતુ 24 કલાક પાણી પોતાની મેળે નીકળ્યા કરે છે એટલે આર.ઓ. કરી શકાય છે.એક બોરનું પાણી આર.ઓ. કરી એક લાખ લિટર દરરોજ આપવામાં આવે છે. ધરમશાળાથી આગળ ભેડિયાબેટ અને આખરી ચોકી સુધી 18 પોસ્ટ છે. દરેક ઉપર દરરોજ અંદાજે  20 હજાર લિટર પાણી દૈનિક જોઇએ. બીએસએફ તરફથી ગેંડા પોસ્ટ સુધી પાઇપલાઇન વાટે પાણી પહોંચાડવાની’ માગણી કરવામાં આવી છે, પરંતુ બસ્સો કિલોમીટરની પાઇપલાઇનમાં વિક્ષેપ પડે છે એટલે નિયમિત પાણી પહોંચાડવાનું મુશ્કેલ હોવાથી બોર વાટે નીકળતાં પાણીને આર.ઓ. કરી આપવાનું શક્ય બનશે. અત્યારે ત્રણ બોર કરવામાં આવ્યા છે, જેમાંથી એક બોર પર આર.ઓ. કરવાનો પ્લાન્ટ ચાલુ છે.

બાકીના બે બોર માટે આર.ઓ.નાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં છે. પ્રત્યેક બોરમાં એક લાખ લિટર પેયજળ આર.ઓ. કરવામાં આવે છે. જ્યારે ધરમશાળાથી ભેડિયાબેટ ચોકી સુધી પાઇપ લાઇન પાથરવા બીએડીપીની ત્રણ કરોડની દરખાસ્ત પેન્ડીંગ છે. જો મંજૂરી મળશે તો કામ આગળ વધારવામાં આવશે. અમારું પાંચ બોર બનાવીને દરરોજ પાંચ લાખ લિટર આર.ઓ. કરીને આપવાનું આયોજન છે તો જ નિયમિત પાણી સરહદ પર ફરજ બજાવતા જવાનોને આપી શકાય અને અત્યારે  પણ બીએસએફ દ્વારા ધરમશાળા ચોકીથી ટેન્કરો વડે પાણી પહોંચાડવામાં આવે છે એ વિગતો આપી હતી.આજની બેઠકમાં શ્રી વનરા સાથે કાર્યપાલક ઇજનેર શ્રી તિવારી વગેરે હાજર રહ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code