- કોંગ્રેસ પાર્ટીને વધુ એક ઝટકો
- કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતીન પ્રસાદ ભાજપમાં જોડાયા
- દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે તેમને પાર્ટીની સદસ્યતા અપાવી
નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટીને વધુ એક ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતીન પ્રસાદે કેસરીયો ધારણ કર્યો છે. દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે તેમને પાર્ટીની સદસ્યતા અપાવી હતી. અગાઉ જિતીન પ્રસાદે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યા બાદ જિતીન પ્રસાદે કહ્યું હતું કે, ત્રણ પેઢીઓ સુધી અમારા પરિવારનો કોંગ્રેસ સાથે નાતો રહ્યો છે. પરંતુ હવે ખૂબ સમજી વિચારીને મે પાર્ટી છોડવાનો નિર્ણય લીધો છે. મને લાગે છે કે દેશમાં ભાજપ એક જ એવી પાર્ટી છે જે સાચે રાષ્ટ્રીય છે. અન્ય દળો પ્રાદેશિક છે પરંતુ ભાજપ સાચા અર્થમાં રાષ્ટ્રીય પાર્ટી છે.
જિતીન પ્રસાદે વધુમાં ઉમેર્યું હતું કે દેશની ભલાઇ માટે આજે જો કોઇ પાર્ટી કે નેતા ઊભા છે તો તે ભાજપ અને આપણા પીએમ મોદી છે. કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું કે, જો તમે રાજકારણમાં રહીને લોકોના હિતોની રક્ષા ના કરી શકો તો એવી પાર્ટીમાં રહેવું નિરર્થક છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પાર્ટીના મુખ્ય પ્રવક્તા અનિલ બલૂનીએ કહ્યું હતું કે આજે કોઈ મોટા નેતા સામેલ થવાના છે. અનિલ બલૂનીએ જોકે કોઈ નામ તો જાહેર કર્યું ન હતું. પરંતુ ઘણા સમયથી સિંધિયા કેમ્પના ગણાતા જિતિન પ્રસાદ ભાજપમાં જોડાશે તેવી અટકળો થઈ રહી હતી. યુપીથી આવતા પ્રસાદને કોંગ્રેસમાં મહત્વ મળતું પણ ઘટી ગયું હતું. તેમના ભાજપ જોઈન કરવાથી આગામી યૂપી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને ફાયદો થવાની શક્યતા છે.
જિતિન પ્રસાદ સૌથી પહેલા કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલને મળવા માટે પહોંચ્યા હતા. ત્યારબાદ તેમની સાથે જઈને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. જિતિન પ્રસાદ યુપીએ સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે.