- યુપી સરકારમાં મોટા ફેરફાર થવાના એંધાણ
- પીએમ મોદી અને CM યોગી આદિત્યનાથ વચ્ચે થઇ બેઠક
- યુપીના મંત્રીમંડળમાં થઇ શકે છે ફેરફાર
નવી દિલ્હી: સાંપ્રત સમયમાં દેશના સૌથી મોટા રાજ્ય એવા ઉત્તરપ્રદેશમાં સરકારમાં ફેરફારોની અટકળો તેજ બની છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે ગઇકાલે અમિત શાહ બાદ આજે પીએમ મોદી સાથે બેઠક કરી હતી.
પ્રાપ્ત જાણકારી અનુસાર, આજે યોગી આદિત્યનાથ અને પીએમ મોદી વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ યુપીના મંત્રીમંડળમાં ફેરફારની અટકળો વધુ તેજ થઇ ગઇ છે. ગૃહ મંત્રી અમિત શાહ સાથે થયેલી બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. તે બાદ આજે યોજાયેલી પીએમ સાથેની બેઠકમાં અનેકવિધ વિષયો પર પીએમ મોદી અને યુપીના સીએમ વચ્ચે ગહન ચર્ચા થઇ હતી.
યોગી આદિત્યનાથની અમિત શાહ સાથે બેઠક બાદ NDAની સહયોગી પાર્ટી અપના દળના અધ્યક્ષ અનુપ્રિય પટેલે પણ શાહ સાથે મુલાકાત કરી હતી. અનુપ્રિયા પટેલ પણ ઉત્તરપ્રદેશના રાજકારણમાં વર્ચસ્વ ધરાવે છે. સાથે જ યુપીના મંત્રીમંડળમાં ગુજરાત કેડરના પૂર્વ IAS એ.કે.શર્માને મહત્વનું સ્થાન મળી શકે છે.
સૂત્રો અનુસાર યોગી અને એ.કે.શર્મા વચ્ચે પણ એક બેઠક યોજાઇ હતી. યોગી સાથે મુલાકાત પહેલા એ.કે.શર્માએ પીએમ મોદી સાથે પણ મુલાકાત કરી હતી. અને કેન્દ્રીય મંત્રી વી.કે.સિંહે પણ યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી છે.