- વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી પહેલા અયોધ્યાનું રામ મંદિર તૈયાર થઇ જશે
- હાલમાં રામ મંદિરનો પાયો ભરવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે
- રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ કાર્યમાં 3 વિવિધ પ્રકારના પથ્થરોનો ઉપયોગ કરાશે
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના અયોધ્યા ધામમાં હાલમાં રામ મંદિરનો પાયો ભરવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે ત્યારે વર્ષ 2024 સુધીમાં રામ મંદિરનું નિર્માણ પૂર્ણ કરવાનું લક્ષ્યાંક નિર્ધારિત કરાયું છે. વર્ષ 2024માં લોકસભાની ચૂંટણીઓ પણ યોજાવાની છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ કાર્યમાં 3 વિવિધ પ્રકારના પથ્થરોનો ઉપયોગ કરાશે. જેમાં મિરઝાપૂરના 4 લાખ ક્યૂબિક પથ્થરોનો પણ સમાવેશ કરાશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, નિર્માણમાં આપણે વિવિધ પ્રકારના પથ્થરોનો ઉપયોગ કરવા માંગીએ છીએ. તેમણે વધુમાં કહ્યું હતું કે, દેશમાં પથ્થરની ઘણી ખાણો છે, જ્યાં વિવિધ પ્રકારના ગુણવત્તા ધરાવતા પથ્થર છે. આવી ખાણોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. મંદિર સંકુલના 5 એકરમાં દિવાલ બનાવવા માટે પથ્થરો પર મંથન કરવામાં આવી રહ્યું છે.
મંદિરનો પાયા, શિખર અને દિવાલો માટે વિવિધ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવશે. મંદિરના પાયા મિરઝાપુરના 4 લાખ ક્યુબિક પથ્થરોથી બનાવવામાં આવશે અને રાજસ્થાનના બંશીપહરપુરના પથ્થરનો ઉપયોગ મંદિરના નિર્માણ માટે કરવામાં આવશે. જ્યારે મંદિરની સુરક્ષા માટે 5 એકર જમીનમાં દિવાલ બનાવવા માટે પથ્થરો પર મંથન કરવામાં આવી રહ્યું છે.
મહાસચિવ ચંપત રાય અનુસાર, વર્ષ 2024 સુધીમાં રામ મંદિર બનાવવાનું લક્ષ્ય છે. હમણાં રામ મંદિરના પાયામાં 6 સ્તરો તૈયાર છે. જન્મભૂમિના નિર્માણનું કામ 24 કલાક-બે પાળીમાં ચાલી રહ્યું છે. રામ ભક્તોને જન્મભૂમિ બનતા જોવા માટે આ યોગ્ય સમય નથી, જેથી તેઓ રાહ જુવે.