- ઉત્તરાખંડમાં લોકડાઉનની સમયમર્યાદા 24 જૂન સુધી વધારાઈ
- અઠવાડિયામાં માત્ર 3 દિવસ ખુલશે દુકાનો
દેહરાદુનઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર દરમિયાન આંશિક પ્રતિબંધ સહીત લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું, કોરોનાના કેસોમાં રાહત જોવા મળતા આ પાબંધિઓ ઘીરે-ઘીરે દૂર કરવામાં આવી રહી છે ,જો કે, કેટલાક રાજ્યોએ અનેક છૂટછાટ સાથે લોકડાઉન લંબાવ્યું છે જેમાં ઉત્તરાખંડ સરકારે 15 જૂન સવારે 6 વાગ્યાથી લઈને 22 જૂન સવારે 6 વાગ્યા સુધી આ લોકડાઉનની સમય મર્યાદા વધારી છે.જો કે,કોરોનાના કેસો ઘટતા 22 જૂન પછી રાજ્યમાં અનલોક થવાના સંકેત પણ મળી રહ્યા છે.
આ સમગ્ર બાબતે સરકારના પ્રવક્તા સુબોધ ઉનિઆલે માહિતી આપી હતી, આ સાથે જ લોકડાઉન દરમિયાન તેમાં આપવામાં આવેલી આંશિક છૂટછાટ અંગે મીડિયામાં માહિતી આપી હતી. ત્યારે હવે સરકાર દ્રારા નક્કી કરવામાં આવ્યું છે કે ગ્રામીણ વિસ્તારોમાં, જિલ્લાઅધિકારી પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કર્યા બાદ જ કોવિડ કર્ફ્યુમાં રાહત આપવામાં આવશે.
રાજ્યમાં જારી કરેલી નવી ગાઈડલાઈન મુજબ લગ્ન સમારોહમાં ભાગ લેનારા લોકોની સંખ્યા હવે 20 થી વધારીને 50 કરવામાં આવી છે. લગ્ન સમારોહમાં ભાગ લેનારા લોકો માટે કોરોનાનો આરટીપીઆર અથવા રેપિડ એન્ટિજેન નેગેટિવ હોવું જરુરી છે. એસઓપીની બાકીની જોગવાઈઓ પહેલાની જેમજ અમલમાં રહેશે. બીજી તરફ, અંતિમ સંસ્કારમાં જોડાનારા લોકોની મહત્તમ સંખ્યા પણ વધારીને 50 કરાઈ છે જે પહેલા 20ની હતી.
જાણો રાજ્યમાં ક્યારે શું ખુલશે?
રાજ્યમાં આ અઠવાડિયામાં ફક્ત ત્રણ દિવસ માર્કેટ ખુલ્લા મૂકવામાં આવશે, જેમાં 16 જૂન , 18 જૂન અને 21 જૂનના રોજ રાશન, કરિયાણા, જનરલ સ્ટોર્સ સહિતના તમામ વ્યવસાયિક મથકો સવારે 8 થી સાંજના 5 સુધી ખુલ્લા રહેશે.રાજ્યમાં રોજેરોજ મીઠાઇની દુકાન, ફૂલની દુકાન, શાકભાજીની દુકાનો અને દૂધની ડેરીઓ સવારે 8 થી સાંજના 5 સુધી ખુલ્લી રહેશે. તે જ સમયે, રાજ્યમાં સ્ટેશનરી અને બુક શોપ 16 જૂન અને 21 જૂને ખુલશે. આ સાથે જ સિનેમા હોલ, શોપિંગ મોલ, જીમ, સ્ટેડિયમ, સ્પોર્ટસ ગ્રાઉન્ડ, સ્વિમિંગ પુલ, મનોરંજન પાર્ક, થિયેટરો, ઓડિટોરિયમ અને બાર હજુ પણ બંધ જ રાખવામાં આવશે