ગિરગઢડાના ગ્રામ્ય પંથકમાં ખેતીવાડી વીજપુરવઠો ચાલુ નહીં કરાય તો 20મીથી આંદોલન કરાશે
ઊના: તાઉ-તૈ વાવાઝોડાથી ગીર ગઢડા તાલુકામાં પણ ભારે નુકશાન થયું હતું. ઉપરાંત ડોળાસા પાસેના બોડીદર, સોનપરા, ઝીંઝરિયા, કાણકિયા, કરેણી અને આંબાવડ સહિતના અનેક ગામડાંઓમાં તા.17 મેના વાવાઝોડા બાદ હજુ સુધી ખેતીવાડી વીજ પુરવઠો ચાલુ કરવામાં આવ્યો નથી. તેના કારણે ખેડૂતો પિયત કરી શકતા નથી. સૌથી વધુ દયાજનક હાલત પશુઓની છે. પાણી માટે વલખા મારી રહ્યાં છે.
વાવાઝોડા બાદ સરકારે યુદ્ધના ધોરણે કામગીરી કરીને ગામડાંમાં તો વીજ પુરવઠો પૂર્વવત કરી દીધો હતો પણ હજુ ખેતીવાડીમાં વીજ પુરવઠો હજુ પૂર્વવત થઈ શક્યો નથી. આથી ખેડતોને બોર- કૂવામાં પાણી હોવા છતાં પિયત કરી શકતા નથી. આથી જો તા.20 સુધીમાં વીજ પુરવઠો ચાલુ કરવામાં નહીં આવે તો તા.21થી આંદોલનની ચીમકી આપવામાં આવી છે.
ઊના, ગિરગઢડા અને કોડીનાર તાલુકાના ડોળાસા, અડવી, વેળવા, માલગામ, પાંચ પીપળવા સહિતના ગામડાંઓમાં વાવાઝોડાથી ભારે નુકસાન પહોંચ્યું હતું. લગભગ તમામ ખેડૂતોના પશુવાડાની છત ઉડી ગઈ છે. ફળાઉ વૃક્ષો જમીનદોસ્ત થતાં મોટું નુકસાન છે. આવી જ રીતે વીજ નેટવર્ક પણ અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.
ગિરગઢડાના બોડીદર, સોનપરા, ઝીંઝરિયા સહિતના અનેક ગામડાંમાં વીજ થાંભલા પડી ગયા હતા. ગામડાંઓમાં વીજ પુરવઠો ચાલુ કરી દેવાયો છે. પણ ખેતીવાડી વીજ પુરવઠો હજુ સુધી બંધ છે. તમામ ગામડાંના ખેડૂતો પશુધન વાડીએ જ રાખે છે. ઉપરાંત અનેક ખેડૂતોએ વાડીમાં જ રહેણાંક બનાવ્યા છે. વાવાઝોડાના 28 દિવસ બાદ પણ હજુ સુધી વીજ પુરવઠો મળતો ન હોવાથી દયનીય હાલતમાં મૂકાયા છે. જો તા.20 સુધીમાં વીજ પુરવઠો ચાલુ કરવામાં નહીં આવે તો તા.21થી આંદોલનની ચીમકી આપવામાં આવી છે.