ઈસ્લામાબાદ: બલૂચિસ્તાનના પાટનગર ક્વેટામાં શુક્રવારે શિયાપંથી હજારા સમુદાયના સદસ્યોને નિશાન બનાવીને કરવામાં આવેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 16 લોકોના મોતના અહેવાલ છે અને બે ડઝનથી વધારે લોકો ઈજાગ્રસ્તા થયા છે.
ડીઆઈજી અબ્દુલ રઝાક ચીમાએ મૃત્યુઆંકની પુષ્ટિ કરી છે અને ડૉન ન્યૂઝની સાથેની વાતચીતમાં કહ્યુ છે કે ભોગ બનેલા આઠ લોકો હજારા સમુદાયનના છે. હજારા સમુદાયને તેમના અલગ શારીરિક દેખાવને કારણે સરળતાથી ઓળખી શકાય છે અને તેથી વંશીય હિંસા હેઠળ તેમને નિશાન બનાવવામાં આવ્યા છે.
ડીઆઈજી ચીમાએ કહ્યુછે કે આ વિસ્ફોટ હઝારગંજી વિસ્તારમાં એક દુકાનમાં થયો હતો. અહીં બટાકાની વચ્ચે આઈઈડીને પ્લાન્ટ કરવામાં આવ્યો હતો. આ આઈઈડી ટાઈમ્ડ હતો કે રિમોટ કંટ્રોલ તેની તપાસ થઈ રહી છે.
આમા ભોગ બનનારાઓમાં ફર્ટિયર કોર્પ્સના સૈનિકો પણ હતા. છેલ્લા અહેવાલ સુધી આની કોઈએ જવાબદારી સ્વીકારી નથી.
ગત ચાર દાયકાથી અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી હિંસા દરમિયાન વિસ્થાપિત થયેલા લગભગ પાંચ લાખ જેટલા હજારા સમુદાયના લોકો ક્વેટામાં વસવાટ કરી રહ્યા છે. ક્વેટાનો હજારગંજી વિસ્તાર ભૂતકાળમાં આવા ઘણાં વિસ્ફોટોનો સીક્ષા રહ્યો છે.
હજારા સમુદાયના દુકાનદારો હજારીગંજી બજારમાં તેમની દુકાનમાંથી શાકભાજી અને ફળોનો કારોબાર ચલાવે છે. હજાર સમુદાય અહીં સતત હુમલાના ભયના ઓથાર નીચે છે અને હજારીગંજી વિસ્તારમાં તેમને સુરક્ષા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ક્વેટાના ડીઆઈજી ચીમાએ કહ્યુ છે કે હજારા સમુદાયના લોકોનો કાફલો દરરોજ શાકભાજી ખરીદવા માટે અહીં આવે છે. તેમને પોલીસ અને ફ્રન્ટિયર કોર્પ્સ સુરક્ષા પુરી પાડે છે અને તેઓ સુરક્ષા વચ્ચે જ પાછા જાય છે. આવું જ શુક્રવારના દિવસે પણ થયું હતું.
બલુચિસ્તાનના મુખ્યપ્રધાન જામ કમાલે આકરા શબ્દોમાં વિસ્ફોટની ઘટનાને વખોડી છે અને આમા સંડોવાયેલા તત્વોની સામે કડક હાથે પગલા ભરવાની ખાતરી પણ આપી છે. કમાલે કહ્યુ છે કે કટ્ટરવાદી માનસિકતાવાળા લોકો સમાજ માટે ખતરો છે. શાંતિને ખોરવી નાખવાના ષડયંત્રને આપણે નષ્ટ કરવું પડશે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પણ વિસ્ફોટની ઘટનાને વખોડી છે અને તપાસ રિપોર્ટની માગણી છે.
ગત વર્ષ જાહેર થયેલા નેશનલ કમિશન ફોર હ્યુમન રાઈટ્સના અહેવાલ મુજબ, જાન્યુઆરી-2012થી ડિસેમ્બર-2017 સુધીના સમયગાળામાં હજારા સમુદાયના 509 લોકોએ ક્વેટામાં જીવ ગુમાવ્યા છે અને 627 હજારા અલગ-અલગ ઘટનાઓમાં ઈજાગ્રસ્ત થયા છે.
એનસીએચઆરના અહેવાલ મુજબ, લક્ષિત હિંસા, આત્મઘાતી હુમલા અને બોમ્બ વિસ્ફોટોને કારણે બલુચિસ્તાનના સૌથી મોટા શહેર ક્વેટામાં હજારા સમુદાયને જીવનું જોખમ, શિક્ષણ અને કારોબારી ગતિવિધિઓને પણ નુકસાન થઈ રહ્યું છે.