- કોરોના વેક્સિનેશન માટેનો નિયમ બદલાયો
- હવે સીધા સેન્ટર પર જઇને વેક્સિન લઇ શકાશે
- હવે રજીસ્ટ્રેશનની આવશ્યકતા નથી
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની બીજી લહેરની અસર ભલે ઓછી થઇ ગઇ હોય પરંતુ ખતરો હજુ ટળ્યો નથી. દેશ પર હવે સંભવિત ત્રીજી લહેરનો ખતરો પણ તોળાઇ રહ્યો છે. કોરોના સામે વેક્સિનને અસરકારક હથિયાર માનવામાં આવે છે. આ માટે જ સરકાર દેશના પ્રત્યેક નાગરિકોનું ઝડપી રસીકરણ થાય તે માટે પ્રયાસ કરી રહી છે. દરેક વ્યક્તિ વેક્સિન લઇ શકે તે માટે સરકારે વેક્સિનેશનના નિયમો વધુ હળવા કર્યા છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, સ્વાસ્થ્ય મંત્રાલયે હવે કોવિડ એપ અથવા વેબસાઇટ પર રજિસ્ટ્રેશનની અનિવાર્યતાને ખતમ કરી દીધી છે. સરકારના નવા નિયમો અનુસાર કોઇ પણ વ્યક્તિ પોતાના નજીકના સેન્ટર પર જઇને ઑન સાઇટ રજીસ્ટ્રેશન કરાવીને વેક્સિન લઇ શકે છે.
કોરોના વેક્સિનને દેશના દરેક ખૂણામાં પહોંચાડવા માટે આરોગ્ય કર્મચારીઓ અને આશા કાર્યકરો ગ્રામ્ય વિસ્તારો અને શહેરના સ્લમ વિસ્તારમાં જશે. આ લોકો તેમને ઑન સાઇટ રજીસ્ટ્રેશન માટે જાગૃત કરવામાં આવશે. અનેક લોકો હજુ પણ ઑનલાઇન રજીસ્ટ્રેશન કરાવવામાં અસમર્થ છે. આ જ કારણોસર ગ્રામ્ય વિસ્તારોમાં ગોકળગાય ગતિએ વેક્સિનેશન ચાલી રહ્યું છે.
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર 13 જૂન સુધી કોવિન મારફતે કરવામાં આવેલા 28.36 કરોડ રજિસ્ટ્રેશનમાંથી 16.45 કરોડ લાભાર્થીઓને ઑન સાઇટ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ભારતમાં કોરોના વેક્સિનેશન અભિયાનની શરૂઆત 16 જાન્યુઆરીના રોજ કરાઇ હતી. 16 જાન્યુઆરીથી અત્યારસુધી 26 કરોડથી વધારે લોકોને વેક્સિન આપવામાં આવી ચૂકી છે.