માણાવદરના મહેર સમાજની બે દીકરીઓ ઈઝરાઈલ સેનામાં મહત્વના પદ પર
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં મહેર સમાજ ખમીરવંતો ગણાય છે. મહેર સમાજની બે બહેનોએ ઈઝરાઈલની સેનામાં પોસ્ટિંગ મેળવીને મહેર સમાજનું ગૌરવ વધાર્યુ છે. માણાવદરના કોઠડી ગામના મહેર પરિવારની બે બહેનો ઈઝરાયલની સેનામાં સામેલ થઈ છે. એક બહેન નિશા સેનામાં યૂનિટ હેડ છે જ્યારે બીજી બહેન રિયા કમાંડો ટ્રેનિંગ લઈ રહી છે. તાલીમ પુરી થયા બાદ રિયાને આર્મીમાં પોસ્ટિંગ મળી છે. આ સૈન્યને લશ્કરી નિષ્ણાંતો પણ વિશ્વનું શ્રેષ્ઠ સશસ્ત્ર સૈન્ય ગણે છે. જેમાં નિશાને અત્યાધુનિક અને ખતરનાક હથિયારોને ઓપરેટ કરવાની પણ તાલીમ મળી છે.
ઈઝરાઈલ સેના વિશ્વમાં બહાદુરી માટે સર્વ શ્રેષ્ઠ ગણાય છે. આ સૈન્યમાં માણાવદર તાલુકાના કોઠડી ગામની 20 વર્ષની નિશા જોડાઈ છે. તે ગુજરાતની પહેલી યુવતી છે, જે ઈઝરાઈલ આર્મીમાં જોડાઈ છે. ઈઝરાઈલમાં 45 ગુજરાતી પરિવાર વસે છે અને તેઓ ભારતીયો દ્વારા ચલાવવામાં આવતા ડાયમંડ યુનિટમાં કામ કરે છે.
નિશાના પિતા જીવાભાઈએ જણાવ્યું હતું કે, ઈઝરાઈલમાં શિક્ષણ વ્યવસ્થા એવી છે કે જ્યાં બાળકને લીડરશીપ માટે તૈયાર કરવામાં આવે છે. ઇઝરાઇલમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો માટે લશ્કરી સેવામાં પ્રવેશ મેળવવો ફરજિયાત છે. નિશાને પણ બે વર્ષ પહેલા આઈડીએફ દ્વારા દાખલ કરવામાં આવી હતી. “તેની ફરજના ભાગ રૂપે, તેણે આર્મીના વાહનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાના હોય છે. છેલ્લા બે વર્ષમાં લેબનોન, સીરિયા, જોર્ડન અને ઇજિપ્તની સરહદ પર તેની પોસ્ટિંગ કરવામાં આવી છે. હાલમાં તે ગુશ ડેનમાં પોસ્ટેડ છે.