અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો થયા બાદ હવે ચોમાસાના પ્રારંભ સાથે પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં ચામડીના રોગોના કેસમાં ધરખમ વધારો થયો છે. ગત બન્ને મહિનામાં ત્રણ હજાર આસપાસ કેસો નોંધાતા હતા, જ્યારે જૂનના 15 દિવસમાં જ 3210 કેસ નોંધાયા છે. એપ્રિલ મહિનામાં અહીં 3268 અને મે મહિનામાં 3214 દર્દીઓ નોંધાયા હતા. આ કેસોમાં ગૂમડાં, ધાધર, અળાઈ અને ફંગલ ઇન્ફેક્શન જેવા રોગોની સંખ્યા વધારે છે.
તબીબોનું કહેવું છે કે સખત ગરમી અને ભેજવાળા વાતાવરણના મિશ્રિત હવામાનને કારણે આ રોગ થઈ રહ્યા છે. બીજી તરફ, સોલા સિવિલમાં પાણીજન્ય રોગો તથા ઝાડા-ઊલટીના પણ વધુ કેસો નોંધાઈ રહ્યા છે. સામાન્ય દિવસોમાં એક સપ્તાહમાં ઝાડા-ઊલટીના 50 જેટલા કેસ આવતા હોય છે. હાલમાં આ કેસમાં વધારો થયો છે અને 90 કેસ નોંધાઈ રહ્યા છે. એ ઉપરાંત કમળાના 25 કેસ નોંધાઈ રહ્યા છે. ડાયેરિયાના સામાન્ય દિવસોમાં 25 કેસની સરખામણીએ 48 કેસ આવ્યા છે. ડોક્ટરોનું માનવું છે કે દૂષિત પાણી તથા ડબલ સીઝનને કારણે આ પ્રકારના કેસ નોંધાઈ રહ્યા છે. સોલા સિવિલ સહિત અસારવા સિવિલમાં પણ આ પ્રકારના કેસમાં વધારો થયો છે.
શહેરની સિવિલમાં આવતાં મ્યુકર માઈકોસિસના દર્દીની સંખ્યામાં છેલ્લા 24 કલાકમાં અચાનક વધારો થવા સાથે નવા 26 દર્દી દાખલ થયા હતા. જ્યારે એકનું મૃત્યુ થયું હતું. હાલ સિવિલમાં આ રોગના 260 દર્દી દાખલ છે. જ્યારે 14ને રજા આપવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે, એક અઠવાડિયાથી હોસ્પિટલમાં મ્યુકર માઇકોસિસના કેસમાં ક્રમશ ઘટાડો નોંધાવાની સાથે દાખલ થતાં નવા દર્દીની સંખ્યા 25-30થી ઘટીને 7 પર પહોંચી હતી. પરંતુ, ગુરુવારે મ્યુકર માઇકોસિસના નવા 26 દર્દીઓ દાખલ થયા હતા. શહેરમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. શહેર અને જિલ્લામાં સતત ચોથા દિવસે 50થી ઓછા કેસ નોંધાયા છે. ત્યાં 24 કલાકમાં 47 નવા કેસ નોંધાયા છે તથા 104 સાજા થયા છે તેમજ 2 દર્દીનાં મોત થયાં હતા.