પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે ઇથેનોલ છે સારો વિકલ્પ – ઇથેનોલથી પેટ્રોલમાં પ્રતિ લીટર 20 રૂપિયાની બચત થશે
- પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે ઇથેનોલ બની શકે વિકલ્પ
- ઇથેનોલના ઉપયોગથી દરેક લિટર બળતણ પર 20 રૂપિયા સુધી બચત થાય છે
- ગ્રાહકોને ઇંધણ તરીકે 100 ટકા પેટ્રોલ અથવા 100 ટકા બાયો-ઇથેનોલનો ઉપયોગ કરવાનો વિકલ્પ પૂરો પાડે છે
નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની સતત વધતી કિંમતોને કારણે સામાન્ય પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે. આ સમયે વાહનોમાં ઇથેનોલ તેમજ અન્ય વૈકલ્પિક બળતણના ઉપયોગને લઇને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, ઇથેનોલના ઉપયોગથી દરેક લિટર બળતણ પર 20 રૂપિયા સુધી બચત થાય છે.
બ્રિક્સ નેટવર્ક યુનિવર્સિટીની વર્ચુઅલ કોન્ફરન્સમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, બ્રાઝિલ, કેનેડા તેમજ અમેરિકામાં ઑટોમોબાઇલ કંપનીઓ ફ્લેક્સિબલ-ફ્યૂલ એન્જિન બનાવે છે. તે ગ્રાહકોને ઇંધણ તરીકે 100 ટકા પેટ્રોલ અથવા 100 ટકા બાયો-ઇથેનોલનો ઉપયોગ કરવાનો વિકલ્પ પૂરો પાડે છે.
ગડકરીએ વધુમાં ઉમેર્યું હતું કે, દેશમાં પેટ્રોલની વધતી કિંમતને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન ભારત પણ તેના ઇથેનોલ ઉત્પાદનમાં વધારો કરી રહ્યું છે. સરકારે પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિક્સ કરવાની સમય મર્યાદા વર્ષ 2030 થી 2025 કરી દીધી હતી. દેશમાં હાલ પ્રતિ લિટર પેટ્રોલમાં 8.5% ઇથેનોલ મિક્સ કરાય છે.
નોંધનીય છે કે મુંબઇ અને હૈદરાબાદ જેવા મેટ્રો શહેરોની સાથે દેશના ઘણા વિસ્તારોમાં પેટ્રોલ 100 રૂપિયાથી વધુ લિટર મોંઘુ થઈ ગયું છે. તેનું કારણ છેલ્લા છ અઠવાડિયામાં બળતણની કિંમતોમાં વધારો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને લદ્દાખ જેવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 100 રૂપિયાથી વધુ છે.
નીતિન ગડકરીએ કહ્યું કે દેશમાં પણ ઇથેનોલના ઉત્પાદનમાં વધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે કારણ કે તેનાથી બળતણની આયાત કરવામાં આવતા ખર્ચમાં ઘટાડો થાય છે.