ગીર સોમનાથના ગામોમાં દરિયાઈ ક્ષાર પ્રવેશ નિયંત્રણ માટે સરકારે રૂ. 102 કરોડની યોજનાને આપી સૈધાંતિક મંજૂરી
અમદાવાદઃ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં દરિયાઈ ક્ષાર પ્રવેશ નિયંત્રણ અને જમીનની વધતી ખારાશ અટકાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રૂ. 102 કરોડની બહુહેતુક યોજનાને સૈધાંતિક મંજૂરી આપી છે. આ યોજના અંતર્ગત આદરી બંધારાથી મૂળ દ્વારિકા બંધારા સુધીના સમગ્ર વિસ્તારમાં દરિયાઇ ક્ષાર પ્રવેશ અટકાવવા 40 કી.મીની સ્પ્રેડીંગ કેનાલના કામો હાથ ધરાશે.
ગુજરાત સરકારના આ નિર્ણયથી ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને સુત્રાપાડા તાલુકાના 23 ગામોની અંદાજે 2110 હેકટર વધુ જમીનમાં દરિયાઈ ખારાશ પ્રવેશતી અટકતા જમીન વધુ ફળદ્રૂપ બનશે. આ ઉપરાંત કેનાલમાં મીઠું પાણી ભરાતા આ વિસ્તારમાં સિંચાઇ માટે ઉપયોગમાં લઇ શકાશે.
સ્પ્રેડિંગ કેનાલના પાણીથી આસપાસના વિસ્તારોના કૂવા તળાવોમાં ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવશે અને સમગ્ર વિસ્તારમાં પીવા માટેનું મીઠું પાણી પણ મળતું થશે. આ ક્ષાર પ્રવેશ નિયંત્રણ અન્વયે ગીરસોમનાથ જીલ્લામાં રૂ. 101.99 કરોડના ખર્ચે આદ્રી બંધારાથી મૂળ દ્રારકા બંધારા સુધીમાં સ્પ્રેડિંગ કેનાલ 40.50 કીમીમાં બનાવવામાં આવશે. ક્રોસ ડ્રેનેજ વર્ક, નેશનલ હાઇવે અને રેલવે ક્રોસિંગ વગેરે મળીને નાના મોટા 81 જેટલા સ્ટ્રક્ચર્સ પણ બનાવવામા આવશે.
ખાસ કરીને વેરાવળ શહેર અને સુત્રાપાડા શહેરના લોકોને ભુગર્ભ જળ ઉંચા આવવાથી પીવાનું પાણી મળતુ થશે. દરિયાના પાણીની ખારાશ આગળ વધતી અટકશે. વેરાવળ શહેરમાં દેવકા નદીના પુરના પાણી ઘુસવાની સમસ્યાથી પણ રાહત મળશે.
જળસંપતિ વિભાગ દ્વારા ક્ષાર પ્રવેશ નિયંત્રણ હેઠળ 46 ભરતી નિયંત્રક-બંધારા, 18 પુન:પ્રભરણ જળાશયો, 34 પુન:પ્રભરણ તળાવો, 397 કૂવાઓ તેમજ 220 કિ.મી. લંબાઇની સ્પ્રેડિંગ કેનાલ અને 678 નાના માટો ચેકડેમો બાંધવામાં આવ્યા છે. આ સમગ્ર કામોથી સૌરાષ્ટ્ર વિસ્તારના 87797 હેક્ટર જમીનમાં ફળદ્રૂપતા વધી છે અને ખારાશ પ્રસરતિ અટકવાનો ફાયદો થયો છે.