- પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સથી સરકારને થઇ જંગી કમાણી
- પેટ્રોલ પરના ટેક્સથી સરકારને 5.25 લાખ કરોડ રૂપિયાની આવક થઇ
- જ્યારે પર્સનલ ટેક્સ કલેક્શન 4.69 લાખ કરોડ રૂપિયા રહ્યું
નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે બીજી તરફ પેટ્રોલ-ડીઝલ પર ટેક્સથી થતી સરકારની કમાણી પણ વધી ગઇ છે. સરકારે સામાન્ય જનતા પર પેટ્રોલ અને ડીઝલનો બોજો નાખ્યો અને આ ટેક્સ દ્વારા પ્રથમ વખત ઇન્કમ ટેક્સ કરતાં પણ સરકારને વધારે કમાણી થઇ. નાણાકીય વર્ષ 2020-21માં પર્સનલ ઇન્કમ ટેક્સ કલેક્શન 4.69 લાખ કરોડ રૂપિયા હતું જ્યારે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી અને VATથી કલેક્શન 5.25 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
ઇન્કમ ટેક્સ વિભાગના આંકડાઓ અનુસાર, નાણાકીય વર્ષ 2020-21નાં કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 9.45 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જેમાં કોર્પોરેટ ટેક્સ કલેક્શન 4.57 લાખ કરોડ રૂપિયા રહ્યું છે જ્યારે પર્સનલ ટેક્સ કલેક્શન 4.69 લાખ કરોડ રૂપિયા અને અન્ય ટેક્સ 16,927 કરોડ રૂપિયા રહ્યું છે.
એક રિપોર્ટ અનુસાર નાણાંકીય વર્ષ 2020-21માં પેટ્રોલ-ડીઝલનું વેચાણ તેના પહેલાના વર્ષથી 10.57 ટકા ઘટ્યા છતાં સરકારની તેના પર ટેક્સની કમાણી વધી છે. નાણાંકીય વર્ષ 2020-21માં પેટ્રોલ-ડીઝલ પર ટેક્સથી સરકારને 5.25 લાખ કરોડ રૂપિયાની કમાણી થઈ. નાણાકીય વર્ષ 2019-20માં પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ, વેટના રૂપમાં 4.23 લાખ કરોડનું કલેક્શન થયું હતું.
પેટ્રોલ-ડીઝલ પર ટેક્સથી કેન્દ્ર સરકારે રાજ્યોમાંથી વધારે કમાણી કરી છે. નાણાંકીય વર્ષ 2014-15માં ઈંઘણ પર ટેક્સથી સરકારને 2.36 લાખ કરોડ રૂપિયા જ્યારે 2019-20માં 4.23 લાખ કરોડ રૂપિયા કમાણી કરી. ત્યાં જ નાણાકીય વર્ષ 2020-21માં તેના પર ટેક્સથી કુલ ખર્ચ 5.25 લાખ કરોડ રૂપિયા રહી.