અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે ધો-10 અને ધો-12ના બોર્ડના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. સરકારના આ નિર્ણયથી અનેક હોંશિયાર વિદ્યાર્થીઓ અને વાલીઓમાં નારાજગી ફેલાઈ છે. જો કે, હવે બોર્ડના પરિણામથી વિદ્યાર્થી સંતુષ્ટ ના હોય તેવા વિદ્યાર્થીઓ માટે પરિક્ષા યોજવાની વિચારણા ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાની બીજી લહેરના કારણે સરકારે સાવચેતીના પગલા ભરીથી ધો-1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હતું. ત્યાર બાદ ધો-10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. હાલ માસ પ્રમોશન અને ગુણાંકન પદ્ધતિ અનુસાર બોર્ડના વિદ્યાર્થીઓની માર્કશીટ તૈયાર કરવામાં આવી રહી છે. જો કોઈ વિદ્યાર્થી આ પરિણામથી સંતુષ્ટ ન હોય તો તેણે પરિણામ જાહેર થયાના 15 દિવસમાં જ પોતાની માર્કશીટ ગાંધીનગર સ્થિત બોર્ડની કચેરીમાં જમા કરાવવાની રહેશે. આવા વિદ્યાર્થીઓ માટે બોર્ડ આગામી સમયમાં પરીક્ષા યોજશે. આ પરીક્ષા અંગેનો કાર્યક્રમ થોડા દિવસમાં જાહેર કરવામાં આવશે.
ધો.12મા વિદ્યાર્થીએ પાસ થવા ધો.10,11 અને 12 એમ ત્રણેય વર્ષના મળીને સંયુક્ત રીતે વિષયદીઠ 33 ગુણ લાવવાના રહેશે. વિદ્યાર્થી સીધા જ ધો.12માંથી નીકળી જાય તે માટે આંકડાની માયજાળ રમતા ધો.10માં 50 ટકા ગુણભાર રાખ્યો છે પરંતુ ધો.12 માટે ધો.10ના વિષયદીઠ 71.43 ટકા ગુણ લેવાનું નક્કી કર્યુ છે.જેથી ધો.10માં જે વિદ્યાર્થીઓ નબળા રહયા હશે અને બોર્ડ પરીક્ષામાં 50 માર્કસ લાવ્યા હશે કે ઓવરઓલ 55થી 60 ટકા હશે તે વિદ્યાર્થી ધો.11-12 વગર સીધો જ પાસ થઈ જશે. ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓને મેરિટથી સારી કોલેજમાં સારી બ્રાંચમાં પ્રવેશ માટે મોટું નુકશાન થવાની શકયતાને આધારે વિદ્યાર્થીઓમાં નારાજગી ફેલાઈ છે.