GTU ઈન્ક્યુબેટર્સના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને ઈન્ટરનેશનલ લેવલે દ્રિતિય સ્થાન મળ્યું
અમદાવાદઃ ગ્લોબલ વોર્મિંગ એ સમગ્ર વિશ્વની પડકાર જનક સમસ્યા છે. વર્તમાન સમયમાં ભારત જેવા વિકાસશીલ દેશમાં ઔદ્યોગીકરણની જરૂરીયાત પણ એટલી જ છે. ઔદ્યોગીક એકમ અને ઘરગથ્થુ વપરાશથી ઉત્ત્તપન્ન થતાં વિવિધ પ્રકારના ધન, પ્રવાહી અને રાસાયણીક કચરાનો યોગ્ય નિકાલ થવો પણ ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત તેમાં વપરાયેલ પાણીનો પણ પુન:ઉપયોગ શક્ય બને તે અતિ મહત્વનું છે. આ હેતુસર, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સંચાલિત અટલ ઈનોવેશન સંકુલના (એઆઈસી) ઈન્ક્યુબેટર્સ રુદ્રી પંડ્યા અને તેમની ટીમ દ્વારા IOT આધારીત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે.
જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, ઔદ્યોગીકરણ અને ઘરગથ્થુ વપરાશથી ઉત્ત્તપન્ન થતાં રાસાયણીક કચરાનો યોગ્ય નિકાલ થવો ખૂબ જ જરૂરી છે. આ પ્રકારના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી સ્વચ્છ ભારત અભિયાનને વેગ મળશે અને 95% જેટલું પાણી પુન:ઉપયોગમાં લઈ શકાય છે.
તાજેતરમાં ડેન્માર્ક ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા “ધાના વોટર ચેલન્જની” થીમ પર ઈન્ટરનેશનલ ગ્લોબલ નેક્સ્ટ જનરેશન વોટર એક્શન સ્પર્ધાનું આયોજન કર્યું હતું . જેમાં ધાના , મેક્સિકો, ઈન્ડિયા , ડેન્માર્ક, કેન્યા સહિતના વિવિધ દેશોની 22 ટીમોએ ભાગ લિધો હતો. જીટીયુ એઆઈસીના ઈન્ક્યુબેટર્સ દ્વારા નિર્મિત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને આ સ્પર્ધામાં દ્રિતિય સ્થાન પ્રાપ્ત થયું છે. આ ચેલેન્જમાં ટોપ-3માં સ્થાન પ્રાપ્ત કરનાર જીટીયુ ભારતની એકમાત્ર ટીમ છે.
રૂદ્રી પંડ્યાએ જણાવ્યું હતું કે, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા નક્કી કરાયેલ ધરાધોરણે પ્રમાણે દરેક ઔદ્યોગીક યુનિટમાંથી નિકળતાં ધન- પ્રવાહી રાસાયણીક કચરામાં રહેલ બાયોલોજીકલ ઑક્સિજન ડિમાન્ડ (BOD) અને કેમિકલ ઑક્સિજન ડિમાન્ડની (COD) માત્રા અનુક્રમે 10 અને 50 મીલીગ્રામ પ્રતિ લિટર સુનિશ્ચિત કરવામાં આવેલી છે. આમારા દ્વારા નિર્મિત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જો 350 mg/l BOD અને 550 mg/l COD ઈનપુટ કરવામાં આવે તો, CPCB ધરાધોરણ પ્રમાણે જ COD 25 mg/l અને BOD 10 mg/l આઉટપુટમાં મળશે. જેનાથી ઔદ્યોગીક એકમોમાંથી છોડવામાં આવતાં પ્રવાહીમાં CODમાં મળતાં હાઈડ્રોકાર્બન , યુરીયા , આલ્કોહોલ અને BODમાં વધતાં બેક્ટેરીયા વગેરેનું યોગ્ય પ્રમાણમાં જ નિકાલ થશે.
આ ઉપરાંત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પસાર થયેલ 95% પાણીનો પુન: ઉપયોગ બાગ-બગીચા તેમજ પીવા સિવાય તમામ પ્રકારના કાર્યોમાં કરી શકાય છે. પ્લાન્ટના દરેક નોડની આઉટ લાઈન પર IOT બેઝ્ડ્સ વોટર સેન્સર્સ પણ લગાવવામાં આવેલ છે. જેનાથી સુએજ લાઈનમાં જો કોઈ પણ જગ્યાએ બ્લૉકેજ હોય તો પણ તેને જાણીને દૂર કરી શકાય છે. મશીન લર્નિંગનો ઉપયોગ થયેલ હોવાથી પ્લાન્ટનું સંચાલન સત્વરે અને આર્થિક રીતે પરવડે તે રીતે કરી શકાશે. આ ઉપરાંત ડિજીટલ ઉપકરણથી પણ તેનું સંચાલન કરવા માટે જે –તે સ્થળ પર હાજર રહેવું આવશ્યક નથી.