- ક્રિપ્ટોકરન્સીમાં તેજીનો ફૂગ્ગો ફૂટ્યો
- બિટકોઇનની કિંમત 8 ટકાના કડાકાની સાથે 32,288 ડૉલર પર પહોંચી
- તે 8 જૂન પછી ન્યૂનત્તમ સ્તર પર છે
નવી દિલ્હી: ક્રિપ્ટોકરન્સીમાં હવે તેજીનો ફૂગ્ગો ફૂટી ચૂક્યો છે અને તેમાં સતત કડાકો બોલી રહ્યો છે. ચીને બિટકોઇન માઇનિંગ સામે પોતાની કાર્યવાહીનો વ્યાપ વધારી દેતા બિટકોઇન અને ઇથર સહિત બધી ક્રિપ્ટોકરન્સીઝની કિંમતમાં ભારે ઘટાડો થયો છે. બિટકોઇનની કિંમત લગભગ 8 ટકાના કડાકાની સાથે 32,288 ડોલર પર આવી ચૂકી છે. તે 8 જૂન પછી ન્યૂનત્તમ સ્તર પર છે.
આપને જણાવી દઇએ કે એપ્રિલમાં બિટકોઇનની કિંમત 65,000 ડોલરની નજીક પહોંચી ગઇ હતી, પરંતુ તે પછી તેમાં ઘણો ઘટાડો નોંધાયો છે. ટેસ્લાના સીઇઓ એલન મસ્કના નિવેદનો તેમજ ચીનની કાર્યવાહીથી ક્રિપ્ટોકરન્સી ઉંધે માથે પટકાઇ. ઇથર પણ પ્રથમ વખત 2,000 ડૉલર કરતા નીચે પહોંચી ગઇ. બાદમાં બંનેની કિંમતમાં થોડો સુધારો થયો. બિટકોઇન 7.9 ટકાના ઘટાડા સાથે 32,781 ડૉલર અને ઇથર 10 ટકાના ઘટાડા સાથે 2019 પર ટ્રેડ કરી રહી હતી. તે ઉપરાંત ડોગકોઇન તેમજ બીજી ક્રિપ્ટોકરન્સીઝની કિંમતમાં પણ ઘટાડો થયો છે.
ક્રિપ્ટોકરન્સીની માઈનિંગ પર ચીનની સરકારની કાર્યવાહી હવે સિચુઆન પ્રાંત સુધી પહોંચી ગઈ છે. ક્રિપ્ટોમાઈનિંગ ચીનમાં એક મોટો બિઝનેસ છે. દુનિયાભરમાં થનારા બિટકોઈન ઉત્પાદનમાં ચીનની અડધી ભાગીદારી છે. સિચુઆનમાં અધિકારીઓએ ક્રિપ્ટોકરન્સી માઈનિંગ સાથે જોડાયેલા પ્રોજેક્ટ બંધ કરવાનો આદેશ આપ્યો છે. ત્યાં મે મહિનામાં જ ક્રિપ્ટોકરન્સી માઈનિંગ અને ટ્રેડિંગ પર પ્રતિબંધ લગાવાયા બાદ એવું કરનારાઓ પર કાર્યવાહી થઈ રહી છે.